અમરેલીનું લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી,જૂનાગઢ ૯.૭ ડિગ્રી અને રાજકોટ ૧૧.૪ ડિગ્રી સાથે ધ્રુજયા: ઠંડાગાર પવનો ફુંકાયા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં શિયાળાની સિઝને જમાવટ કરી છે. હાડ થીજાવતી કાતીલ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. હાડ થીજાવતી કાતીલ ઠંડીમાં આજે પણ રાજયવાસીઓ રિતસર ધ્રુજી ઉઠ્યા હતા. અનેક શહેરમાં લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડિજીટમાં ગરકાવ થઈ ગયો હતો. આગામી બે દિવસ સુધી રાજયમાં ઠંડીનું જોર જારી રહે તેવી સંભાવના રહેલી છે.
હવામાન વિભાગના સુત્રોનાં જણાવ્યા આજે રાજકોટમાં લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું હતુ શહેરનું લઘુતમ તાપમાન આજે ૧૧.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૫.૬ ડિગ્રી રહેવા પામ્યું હતુ. તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતા ઠંડી સામે ઝાક ઝીલવામાં ગરમ વસ્ત્રો બેઅસર પૂરવાર થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં આજે કાતીલ ઠંડીનું મોજૂ ફરી વળ્યું હતુ અમરેલીનું તાપમાન ૮.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩.૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જૂનાગઢવાસીઓ પણ આજે ઠંડીમાં થર થર ધ્રુજયા હતા આજે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૯.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૨.૧ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૪ ડિગ્રી આસપાસ રહેવા પામ્યો હતો. રાજય છેલ્લા ૨૦ દિવસથી કાતીલ ઠંડીની આગોશમાં સપડાયું છે. કોલ્ડવેવના કારણે લોકો ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે