છેલ્લા બે દિવસથી ગોંડલ, જેતપુર અને અમરેલીમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા: આગામી ત્રણ દિવસમાં ગરમીમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાશે
દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સર્જાતાં ગુજરાતનાં વાતાવરણમાં પલટો
આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યા પર ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ તેજ પવન ફુંકાશે અને સાથોસાથ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ગોંડલ, જેતપુર અને અમરેલીમાં ભારે પવનની સાથે વરસાદની ઝાપટા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસ સુધી વરસાદની શકયતા રહેતા ગરમીમાં ઘટાડો નોંધાશે અને લોકો ઠંડકનો અનુભવ કરશે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાનાં આગમનને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રિ-મોનસુન એકટીવીટીનાં ભાગરૂપે આગામી ૩ દિવસ દરમિયાન ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે તેમ છે. જેના કારણે આગામી ત્રણ દિવસોમાં ગરમીમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે પરંતુ ખેડુતોનાં પાકને નુકસાન થાય તેવી પણ ભીતિ સર્જાય છે. ઉભા પાકમાં વરસાદ પડે તો પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ વધારે જોવા મળે છે. જેને લઈને જગનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસથી ગોંડલ, જેતપુર અને વીરપુરમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા. ઉપરાંત જામકંડોરણાનાં બોરીયા ગામે કરા પડયા હતા. બનાસકાંઠા અને સાવરકુંડલામાં ગઈકાલે તેજ પવન ફુંકાયો હતો અને અમરેલી, કચ્છ અને રાજકોટમાં આગામી ૩ દિવસ સુધી અન્ડરસ્ટ્રોમની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે સાંજે અમદાવાદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને કેટલીક જગ્યા પર ભારે પવનની સાથે વરસાદ પણ પડયો હતો.
તો બીજી તરફ અમરેલીનાં જાફરાબાદ તાલુકાનાં લોર ખીસરી, માણસા, ફાચરીયા સહિતનાં ગામડાઓમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા પડયા હતા. કેટલીક જગ્યા પર ચોમાસા જેમ રસ્તા પરથી પાણીની નદી વહે તેમ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે રાજયનાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબકયો હતો. બપોર બાદ અચાનક પલટો આવતા તાપમાન ઘટયું હતું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. દરિયાકાંઠાનાં ગામોમાં વરસાદ પડતા કેરીનાં પાકને નુકસાનની ભીતિ પણ હાલમાં સેવાઈ રહી છે.
મોસમ વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, ૬ જુનનાં કેરલમાં મેઘરાજાનું આગમન થશે. કેરલમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ઉતર તરફ ચોમાસું આગળ વધશે જોકે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૧૫ જુનથી થાય છે પરંતુ કેરલમાં ચોમાસાની શરૂઆત થયા બાદ મોસમ વિભાગ દ્વારા ગુજરાતમાં કયારે ચોમાસું શરૂ થશે તેની સચોટ આગાહી કરવામાં આવશે. હાલમાં તો આગામી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં ભારેથી ભારે પવન ફુંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જેને લઈને ગરમીનું જોર ઘટશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે.