૪ જુને ચોમાસું કેરલ પહોંચશે: સામાન્યથી ઓછા વરસાદની આશંકા
ચાલુ વર્ષે ૨૯૧ મિલિયન ટન અનાજનું ઉત્પાદન થાય તેવી સંભાવના: ગત વર્ષ કરતા ૧૦ મિલિયન ટન અનાજનું ઉત્પાદન વધશે
આ વખતે ૭ ટકા ઓછો વરસાદ પડશે તેવી આગાહી, ગત વર્ષે ૯ ટકા ઓછો વરસાદ પડયો હતો
ચોમાસું આ વખતે ૩ દિવસ મોડેથી એટલે કે ૪ જુનનાં રોજ કેરલ પહોંચી શકે છે. હવામાન અંગે આગાહી કરનારી ખાનગી કંપની સ્કાયમેન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ વખતે ચોમાસું ૭ ટકા ઓછું એટલે કે ૯૩ ટકા જેટલું રહેશે. જયારે હાલમાં હવામાન વિભાગે દાવો કર્યો હતો કે, ચોમાસું સામાન્ય રહેશે. કહેવાય છે કે ચોમાસું સામાન્ય હોય ત્યારે ૮૮૭ મિલીમીટર વરસાદ થાય છે. નવા અનુમાન અનુસાર આ વખતે ૮૨૫ મિલીમીટર વરસાદ થશે એટલે કે ગત વર્ષની સરખામણીમાં ૬૨ મિલીમીટર ઓછો નોંધાશે. જેના કારણે પાકની વાવણીમાં પણ વિલંબ થઈ શકે છે અને તેની અસર અર્થતંત્ર ઉપર થશે.
ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે મોટાભાગનાં વિસ્તારો વરસાદ આધારીત ખેતી પર નિર્ભર છે ત્યારે આગામી ચોમાસું કેવું નિવડે તેનાં પર દેશનું ભાવી નિર્ભર હોય તે સ્વાભાવિક છે. દર વર્ષે સમગ્ર દેશમાં ચોમાસાનાં વરસાદને લઈ ઘણી ખરી વિસંગતતાઓ જોવા મળે છે. કયાંક ધોધમાર તો કયાંક વરસાદની ભારે ખેંચ આવતી હોય છે.
દાયકામાં સરેરાશ ૩ થી ૫ વર્ષ અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો કયાંક વરસાદની ખેંચ પણ જોવા મળે છે. દેશનાં હવામાન વિભાગની સ્કાયમેન્ટ કંપનીએ દાવો કર્યો છે કે, આ વખતે દેશનાં ૪ વિભાગમાં વરસાદ ઓછો રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. પૂર્વ અને પૂર્વતર ભારત અને મધ્ય ભાગમાં હાલતની સ્થિતિ થોડીક ચિંતાજનક રહે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું મોડું અને ઓછું થવાની સંભાવના સેવાઈ રહી છે.
સ્કાયમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, કેરલમાં ચોમાસું ૪ જુનથી લાગુ થશે. જયારે ૨૨ મેના રોજ અંદમાન નિકોબાર ખાતે ચોમાસું આવી જશે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં ૧૦ મિલીયન ટન અનાજનું ઉત્પાદન ૨૯૧ મિલીયન ટન રહેશે જે ગત વર્ષની સરખામણીમાં વધુ અને આયોજનબઘ્ધ ખેતીનાં કારણે ખેડુતોને લાભ મળી શકે તેવું જોવામાં પણ આવી રહ્યું છે.
ઓરિસ્સા, છતીસગઢ અને દરિયાકાંઠાનાં વિસ્તારમાં મોસમનો સરેરાશ પ્રમાણસર વરસાદ રહેશે ત્યારે હવામાન ખાતાએ કરેલી આગાહીમાં જોકે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ ન રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં આ વખતે અલનીનો જેવો નકારાત્મક પરીબળોની અસર નહીં રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
હાલ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે સરેરાશ સમયથી ચોમાસાની ગાડી બે-પાંચ દિવસ મોડી પહોંચે તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડુતો માટે સ્કાયમેન્ટની આ પુરા વરસાદની આગાહી લાભનાં વાવડ જેવી બની રહી છે. અલનીનોની અસરથી દેશમાં ઉતર અને દરિયાકાંઠા વિસ્તારોમાં સરેરાશ વરસાદની ઘટ રહેશે. અમેરિકાનાં હવામાન ખાતાએ અલનીનોનાં કારણે ભારતમાં ૫૫ થી ૬૦ ટકા વરસાદની આગાહી કરી હતી.
હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં સારો વરસાદ થશે. સાથોસાથ છતીસગઢ, ઓરીસ્સા, દક્ષિણનાં રાજયમાં પણ સારો વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને પૂર્વ ભારતમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉતરપ્રદેશમાં ૧૦ ટકાથી ઓછો વરસાદ થશે.
સ્કાયમેન્ટ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે જો વાત કરવામાં આવે તો મધ્ય ભારતમાં સૌથી ઓછો ૯૧ ટકા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. જયારે પૂર્વતરમાં ૯૨ ટકા, દક્ષિણમાં ૯૫ ટકા અને પશ્ચિમ ઉતર ભારતમાં ૯૬ ટકા વરસાદ રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
દરિયાઈ પવન વિશે વાત કરવામાં આવે તો પવનનું વલણ સદંતર બદલાતું જાય છે ત્યારે વરસાદવાળા ક્ષેત્રમાં વરસાદ થતો નથી જયારે જયાં વરસાદ નથી થતો ત્યાં મુશળધાર વરસાદ પડતો હોય છે. ૨૦૧૭માં સ્કાયમેન્ટ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી હતી જયારે ૨૦૧૮માં જે આગાહી કરવામાં આવી હતી તે સાર્થક થઈ ન હતી અને ખોટી સાબિત થઈ હતી.