કાલે રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જયારે શનિવારે સમગ્ર રાજયમાં છુટા છવાયા વરસાદની આગાહી: રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો, ગરમીનું જોર ઘટયું, ઉકળાટ વધ્યો
મધ્ય પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા પશ્ચિમ રાજસ્થાનને લાગુ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્નસની અસરને કારણે સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. જેની અસરતળે આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આજે સવારથી રાજકોટ સહિત રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનું જોર ઘટયું છે પરંતુ અસહ્ય ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યાં છે. કાલે રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જયારે શનિવારે રાજયભરમાં છુટા છવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર પ્રિ મોન્સુન એક્ટિવીટી શ‚ થાય તે પૂર્વે જ રાજયમાં કાલથી ત્રણ દિવસ હળવાથી સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. મધ્ય પાકિસ્તાન અને તેને લાગુ પશ્ચિમ રાજસ્થાન તરફ સમુદ્રની સપાટીથી ૧.૫ કિ.મી. ઉંચાઈ પર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે.જયારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવ્યું છે જેના કારણે રાજયમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના જણાય રહી છે.
આવતીકાલે રાજકોટ, કચ્છ, પોરબંદર, અમરેલી અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં સામાન્ય છાંટાથી લઈ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જયારે શનિવાર અને રવિવારના રોજ રાજયભરમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. અમુક સ્થળોએ ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેમ છે.૨૦ દિવસ પૂર્વે જ રાજયમાં કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની સહન કરવી પડી હતી. ફરી એક વખત કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હોય ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આજે સવારથી રાજકોટ સહિત રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો સર્જાઈ રહ્યાં છે. વાદળછાંયા વાતાવરણના કારણે ગરમીનું જોર ઘટયું છે જો કે ભેજ વધવાના કારણે અસહ્ય ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યાં છે.આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ અસ્થિર રહેશે અને મહત્તમ તાપમાનનો પારો ૩ થી ૪ ડિગ્રી સુધી નીચે પટકાઈ શકે તેમ છે.પ્રિ મોન્સુન એક્ટિવીટી શરૂ થાય તે પૂર્વે જ રાજયમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હોય ખેડૂતો ભારે ચિંતીત બની ગયા છે.