ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૨.૫ ડિગ્રી: નલીયા ૬.૪ ડિગ્રી સાથે કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું: જુનાગઢ ૭ ડિગ્રી, અમરેલી ૭.૫ ડિગ્રી અને રાજકોટમાં ૧૦.૭ ડિગ્રી લઘુતમ તાપમાન: બે દિવસ કોલ્ડવેવની આગાહી
ઉતર ભારતના રાજયોમાંથી ફુંકાતા ઠંડાગાર પવનોના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ગાત્રો થ્રીજાવતી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્તા જનજીવન રિતસર ઠુંઠવાઈ ગયું છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાનનો પારો ૨.૫ ડિગ્રી સુધી પહોંચી જતા યાત્રિકો ઠરીને ઠીકરુ થઈ ગયા હતા. કચ્છના નલીયામાં આજે ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી નીચું ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ સુધી હજી રાજયભરમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે સવારે કચ્છના નલીયાનું તાપમાન ૬.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જે ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી નીચું તાપમાન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલનું મહતમ તાપમાન ૨૩.૬ ડિગ્રી સેલ્શીયસ, ભેજનું પ્રમાણ ૪૪ ટકા અને પવનની ઝડપ એકંદરે શાંત રહેવા પામી હતી. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આજે કાતીલ ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે. અનેક શહેરોના તાપમાન સિંગલ ડિઝિટમાં ગરકાવ થઈ જતા લોકો ઠુંઠવાઈ ગયા હતા.
જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૭ ડિગ્રી સેલ્શીયસ જયારે મહતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે માત્ર ૩.૬ ડિગ્રીનું જ અંતર રહેતા જુનાગઢમાં દિવસભર લોકોએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. જુનાગઢમાં ગીરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાનનો પારો ૨.૫ ડિગ્રી સુધી નીચો પટકાતા યાત્રિકો ઠરીને ઠીકરું થઈ ગયા હતા. પાણી પણ જાણે બરફનો ગોળો બની ગયો હોય તેવી કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.
અમરેલી પણ આજે હાર્ડ થ્રીજાવતી ઠંડીમાં થર-થર ધ્રુંજયું હતું. અમરેલીમાં આજે લઘુતમ તાપમાન ૭.૫ ડિગ્રી સેલ્શીયસ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪.૮ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી નોંધાયું હતું. પવનની સરેરાશ ઝડપ ૮ કિમી પ્રતિ કલાક રહેતા શહેરીજનો કાતિલ ઠંડી સાથે ઠંડાગાર પવનોમાં પણ ધ્રુજી ઉઠયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરના મોટાભાગના શહેરોમાં આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી હોય હજી ઠંડીનું જોર વધે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.