રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી પટકાયો: વહેલી સવારે થર થર ધ્રુંજાવતી ઠંડીનો અહેસાસ
ગત સોમવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. સતત બે મહિના સુધી કાતીલ ઠંડીએ રાજયભરમાં બોકાસો બોલાવી દીધો હતો. આજે અચાનક રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું જોર વધી ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે બે દિવસ ઠંડીનું જોર રહેશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રાજકોટમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. વહેલી સવારે લોકોને ઠંડીએ રીતસર થર થર ધ્રુંજાવી દીધા હતા.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૬ કિમી જેટલી રહેવા પામી છે. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૭.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
ગઈકાલે લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી રહેવા પામ્યું છે. આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી નીચો પટકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ચાર દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ આજે અચાનક ઠંડીનું જોર વધતા લોકો સવારે ગરમ કપડામાં વિંટોળાયેલા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરમાં પણ આજે લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી રહેવા પામ્યું હતું. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં આજે તાપમાનનો પારો નીચો પટકાયો હતો. વેસ્ટન ડિસ્ટબન્સની અસરના કારણે ઠંડીનું જોર વઘ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
છેલ્લા એકાદ સપ્તાહથી રાજયમાં બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડીરાત્રે ફરજીયાત ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બપોરના સમયે તાપમાનનો પારો ૩૦ ડિગ્રી આસપાસ પહોંચી જતો હોવાના કારણે પંખા કે એસી ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.