વાવાઝોડાંની ભીતિ વચ્ચારે મેઘમલ્હાર
વાવાઝોડાને પગલે વાવણીલાયક વરસાદ થઈ જશે, અંદાજે 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી
વાવાઝોડાને પગલે વાવણીલાયક વરસાદ થઈ જશે. સૌરાષ્ટ્ર સહિત પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. જેમાં અંદાજે 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડું થોડું નબળું પડ્યું છે. હાલ જે અનુમાન છે એ મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને ગુરુવારની સાંજે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. પહેલાં એવું અનુમાન હતું કે, ગુરુવારની બપોર સુધીમાં વાવાઝોડું બિપોરજોય ત્રાટકશે. જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ઝડપ 125-150 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. હવમાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાના જણાવ્યા મુજબ, આ શક્તિશાળી વાવાઝોડું મોટી તબાહી મચાવવા માટે સક્ષમ છે. અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપોરજોય કાલ રાત્રે દેવભૂમિ દ્વારકાથી લગભગ 300 કિમી દૂર હતું. 15 જૂનની સાંજ સુધી તે ગુજરાતના જખૌ બંદર પાસે ટકરાઈ શકે છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં ગુરુવાર સુધી 20 સેન્ટિમીટર વરસાદ પડવાની શક્યતા છે. રાજકોટ, મોરબી અને જુનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને પૂર પણ આવી શકે છે. ભારે પવન ફૂંકાવાથી ઉભા પાક, રસ્તાઓ, ઘરો, વીજળી અને ફોનના તાર તથા થાંભલાઓને ભારે નુકસાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર 6 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.
30 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
સ્થળાંતર કરનારાઓમાં, લગભગ 14,088ની બહુમતી કચ્છમાં હતી, ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં 5,000, રાજકોટમાં 4,000, મોરબીમાં 2,000, જામનગરમાં 1,500 થી વધુ, પોરબંદરમાં 550 અને જૂનાગઢ રાજ્ય રાહત આયોગે 500 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. જેમાં લગભગ 284 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. કચ્છ વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, બુધવારે 5 થી 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા વધુ 7,278 લોકોને ખસેડવામાં આવ્યા કગે.
વાવાઝોડાએ અલનીનોના છેદ ઉડાડયા
બિપરજોય વાવાઝોડાએ અલનીનોના છેદ ઉડાડયા છે. કારણકે અગાઉ અલનીનોની આગાહી હતી. જેમાં વરસાદ ખેંચાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.જો કે હવે અલનીનોની અસર ચાલી ગઈ છે. વાવાઝોડાને કારણે જાણે સૌરાષ્ટ્રમાં ચોમાસુ શરૂ થઈ ગયું હોય તેમ વરસાદી માહોલ જામ્યો છે. હાલ બે દિવસમાં અનેક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પડી ગયો છે અને હજુ પણ બીજા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજયના 95 તાલુકાઓમાં ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવારથી વાતાવરણ એકદમ ચોખ્ખુ: પવનની તિવ્રતામાં ઘટાડો
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 95 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇને પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. બિપરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. બીજી તરફ વાવાઝોડાથી ચોમાસાને કોઇ વિક્ષેપ થશે નહી. વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાથી સતત દુર જઇ રહ્યું હોવાના કારણે ખતરો ટળી રહ્યો હોય તેવું લાગી આવ્યું છે. જો કે ચિત્ર આગામી ર4 કલાકમાં સ્પષ્ટ થશે.
ખંભાળીયામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડયો હતો આ ઉપરાંત દ્વારકામાં ચાર ઇંચ, કલ્યાણપુર, ઉપલેટા, અને જામજોધપુરમાં 3 ઇંચ, મેંદરડા અને જુનાગઢમાં અઢી ઇંચ, પોરબંદર, વંથલી, માંડવી, સાવરકુંડલા, ભાણવડ, ખાંભા, લાલપુરમાં બે ઇંચ, ધોરાજી, માળિયા હાટીના, ભેંસાણ, તાલાલામાં પોણા બે ઇંચ, વિસાવદર, જામકંડોરણા, વેરાવળ, ગીરગઢડામાં દોઢ ઇંચ, કુતિયાણા, રાણાવાવ, રાજુલામાં સવા ઇંચ, માણાવદર, કાલાવાડ, ઉના, વાંકાનેર, નખત્રાણા, અબડાસા, જામનગરમાં એક ઇંચ, ગોંડલ, મુંદ્રા, ધારી, જેતપુર, ધ્રોલ, લખપતમાં પોણો ઇંચ, ભુજ, અંજાર, વલ્લભીપુર, કોડીનાર, લીલીયા, ઉમરગામ, હળવદ, લોધિકા, બોટાદ, ગાંધીધામ, મોરબી, ગઢડા, ડાંગમાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત બગસરા, જેશર, સુત્રાપાડા, વડિયા, જાફરાબાદ, ટંકારા, વીછીંયા, કોટાડા સાંગાણી, તાલાલા, બાબરા, માંગરોળ, પાલીતાણા, રાજકોટ, થાનગઢ, જસદણ, ચુડા, રાણપુર, ઉમરાળા, પડધરી, ભચાઉ, રાપર, ધંધુકા, વધઇ, માળીયા મીયાણા, ચાણસ્મા, વાપી, વલસાડ, ચોટીલા, શિહોર, નવસારી, વઢવાણ સહિત રાજયના 95 તાલુકામાં વરસાદ પડયો હતો આજે જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું છે. પવનની ગતિ પણ ઘટી જવા પામી છે.