મોરબીના ચાચાપર પાસે બાઇક અને કાર અથડાતા ત્રણ શ્રમજીવીના મોત
કુતિયાણા નજીક કારનું ટાયર ફાટતા રાજકોટના પિતા-પુત્રએ જીવ ગુમાવ્યા
વઢવાણ પાસે એસટી બસ અને કાર અથડાતા વણિક પરિવારના ત્રણ યુવાનના મોત
સાવરકુંડલા, લીંબડી અને માળીયા નજીક અકસ્માતમાં ત્રણના મોત
વિક્રમ સવંત ૨૦૭૫ના વર્ષના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, કુતિયાણા, લીંબડી અને સાવરકુંડલાના હાઇવે ગોજારો બન્યો હોય જુદા જુદા છ માર્ગ અકસ્માતમાં ૧૧ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. મોરબીના ચાચાપર પાસે કારની ઠોકરે ત્રીપલ સવારી બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ શ્રમજીવી, વઢવાણ પાસે એસ.ટી.બસ અને કાર અથડાતા વણિક પરિવારના ત્રણ યુવાન, કુતિયાણા પાસે કારનું ટાયર ફાટતા રાજકોટના પિતા-પુત્રના મોત નીપજયા છે. સાવરકુંડલા, લીંબડી અને માળીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા રાહુલ વાસુદેવ પ્રસાદ (ઉ.વ.૨૦), ધર્મેન્દ્ર જાવર કનોજીયા (ઉ.વ.૨૫) અને વિરપર ગામના ધર્મેન્દ રામજીતસિંહ કુમાર (ઉ.વ .૩૦) બાઇક પર ચાચાપરથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચાચાપર અને રાજપર ગામ વચ્ચે પહોચ્યા ત્યારે સામેથી આવતી કારની ઠોકર લાગતા બાઇક સવાર ત્રણેય શ્રમજીવી ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જીવલેણ અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો છે. ધર્મેન્દ્ર કનોજીયાના માર્ગ અકસ્માતમાં મોતથી બે સંતાનને પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઇ છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અશોકભાઇ ભીખનભાઇ અગ્રાવત પોતાના પરિવાર સાથે કાર લઇને પોતાના વતન રાણાવાવ તાલુકાના ગોરધન ગામે જઇ રહ્યા હતા ત્યારે કુતિયાણાના માંડવા પાસેથી પસાર થતા હતા ત્યારે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઇ અગ્રાવત અને તેના નવ વર્ષના પુત્ર રવિના ઘટના સ્થળે જ મોત નીપજયા છે. જ્યારે પત્ની ઇલાબેન અને પુત્રી આરતીબેન ઘવાતા બંનેને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વઢવાણના કંદોઇ વિસ્તારમાં રહેતા સુખડીયા પરિવાર કાર લઇને સાણંદ ખાતે પરિવારના બારોટ પાસે ચોપડે નામ જોવડાવવા જઇ રહ્યા હતા ત્યારે કાર વઢવાણ-કોઠારિયા રોડ પર પહોચી ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જગદીશ, ધર્મેન્દભાઇ અરવિંદભાઇ અને શૈલેષભાઇ અમૃતભાઇના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. પૂનમચંદ અને કમલેશભાઇ ઘવાતા બંનેને અમદાવાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સાવરકુંડલાના મણીભાઇ ચોક નજીક રહેતા કનુભાઇ પરસોતમભાઇ સુચક આણંદથી માલ સામાનની ખરીદી કરી છકડો રિક્ષામાં પરત આવી રહ્યા હતા ત્યારે સાવરકુંડલા નજીક છકડો રિક્ષાના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર રીતે ઘવાયેલા કનુભાઇ સુચકનું મોત નીપજ્યું છે. રાજુભાઇ જોષી નામના યુવાન ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મોરબીના રણછોડનગરમાં રહેતા રવિ જગદીશભાઇ પરેચા અને વિપુલ જગદીશભાઇ બાઇક લઇને માળીયાના મોટા દહીસરા ગામે માતાજીના નિવેદ કરીને પરત આવી રહ્યા હતા ત્યારે કારની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલા બીપીન બકુલભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
મુળ પાણસીણા ગામના વતની અને બોટાદ ખાતે રહી હીરા ઘવાનું કામ કરતા રણજીતસિંહ નટુભા ખેર નામના યુવાન અને ભરત નાગરભાઇ કણજારીયા લીંબડી હાઇ-વે પર દેવપરા ખાતે પદયાત્રીના સેવા કેમ્પમાં સેવા આપી પરત આવી રહ્યા હતા ત્યારે કારના ચાલકે પાછળથી હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઇ કણજારીયાનું મોત નીપજયું છે.
મધ્યપ્રદેશના વતની અને લાલપુર નજીક આવેલા આરબલુસ રહેતા મુકેશભાઇ પાંચાભાઇ ડોડવા નામના ૩૮ વર્ષના યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે ધોરીવાવ નજીક છકડો રિક્ષાની ઠોકરે ઘવાતા તેનું મોત નીપજ્યું છે.