છેલ્લા ૨૪ કલાકમાં દસાડામાં ૨, લખતર, વઢવાણ, ગોંડલ અને જોડિયામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા ત્રણ વર્ષથી મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેર વરસાવવામાં ભારે કરકસર રાખતા હતા. જો કે આ વર્ષે વ‚ણદેવે વહાલ વરસાવવાની કરકસર પુરી કરી નાખી છે. હજી જુલાઈ માસ પણ પૂર્ણ થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનનો ૭૬.૩૫ ટકા વરસાદ વરસી ગયો છે. હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ બાકી હોય. સૌરાષ્ટ્રમાં ચોમાસુ સોળ આણી રહે તેવી શકયતા જણાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં દસાડામાં ૨, લખતર, વઢવાણ, ગોંડલ અને જોડીયામાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યા અનુસાર હજી જુલાઈ માસ પણ પૂર્ણ થયો નથી ત્યાં ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૭૬.૯૩ ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ૭૬.૩૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૦.૫૫ ટકા, કચ્છ રીઝીયનમાં ૮૨.૮૪ ટકા, ઉતર ગુજરાતમાં સૌથી વધુ ૧૧૬.૦૮ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૧.૮૩ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ ૩૩ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આજ સુધીમાં રાજયના ૧૪ તાલુકાઓમાં ૧૨૫ થી લઈ ૨૫૦ મીમી સુધી, ૮૬ તાલુકાઓમાં ૨૫૧ થી લઈ ૫૦૦ મીમી સુધી, ૧૨૪ તાલુકાઓમાં ૫૦૧ થી લઈ ૧૦૦૦ મીમી સુધી અને રેકોર્ડબ્રેક ૨૬ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ વરસી ગયો છે. જુન માસમાં રાજયમાં સરેરાશ ૧૨૬ મીમી વરસાદ પડયો હતો. જયારે જુલાઈ માસમાં આજે સવાર સુધીમાં રાજયમાં સરેરાશ ૪૯૬.૮૪ મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના તમામ ૧૧ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં ૨ ઈંચ, વઢવાણ અને લખતરમાં દોઢ ઈંચ, થાનગઢ, સાયલા, મુડીમાં ૧ ઈંચ, લીંબડી, ચોટીલામાં પોણો ઈંચ, ચુડા અને લખતરમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં દોઢ ઈંચ, વિંછીયામાં ૧ ઈંચ, કોટડાસાંગણી, જેતપુર, જામકંડોરણા, પડધરી અને રાજકોટમાં અડધો ઈંચ, મોરબી જિલ્લાના વાંકાનેરમાં અડધો ઈંચ, હળવદ અને માળીયામિંયાણામાં પોણો ઈંચ, મોરબી અને ટંકારામાં એક ઈંચ વરસાદ પડયો છે. જામનગર જિલ્લાના જોડીયામાં સવા ઈંચ અને ધ્રોલમાં અડધો ઈંચ, જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી લઈ અડધો ઈંચ, અમરેલી જિલ્લાના લાઠીમાં સવા ઈંચ, બાબરામાં પોણો ઈંચ, ભાવનગર જિલ્લામાં સિંહોર, પાલિતાણા, મહુવા અને ગારીયાધારમાં પોણો ઈંચ, ઉમરાળા અને તળાજામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે જિલ્લામાં બરવાળામાં સવા ઈંચ, બોટાદમાં ૧ ઈંચ, ગઢડા તથા રાણપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.