મુંબઇના શરદ પવાર ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની એલીટ ગ્રુપ-બીની મેચમાં સૌરાષ્ટ્રની ટીમે મુંબઇને મેચ જીતવા માટે 280 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હજુ એક દિવસની રમત બાકી હોય મેચનું પરિણામ નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે.

સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 289 રન બનાવ્યા હતાં. જેમાં સુકાની અર્પિત વસાવડાએ સાર્વધિક 75 રન ફટકાર્યા હતાં. જવાબમાં મુંબઇની પ્રથમ ઇનિંગ્સ માત્ર 230 રનમાં સમેટાઇ જતાં સૌરાષ્ટ્રને પ્રથમ દાવમાં મહત્વપૂર્ણ એવી 59 રનની લીડ મળી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 70 રનમાં ચાર વિકેટ અને પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચ રહેલા યુવરાજસિંહ ડોડીયાએ 43 રનમાં ચાર વિકેટો ઝડપી હતી. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે 6 વિકેટ ગુમાવી 120 રન બનાવ્યાં હતાં. વિકેટનો મૂળ જોતા બીજા દિવસે જ મેચ રોમાચંક તબક્કામાં પહોંચી જવા પામી હતી. આજે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રે પોતાની રમતને આગળ વધારી હતી. દરમિયાન સાતમી વિકેટ 150 રનના સ્કોરે પ્રેરક માંકડના રૂપમાં પડી હતી.

તેને 38 રન બનાવ્યાં હતાં. ગઇકાલથી જ એક છેડો સંભાળીને ઉભા રહેલા ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે 125 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી આર્કષક 90 રન ફટકાર્યા હતાં. જેની મદદથી સૌરાષ્ટ્રની ટીમે પોતાના બીજા દાવમાં 220 રનનો જુમલો ખડક્યો હતો. મુંબઇવતી સેમ્સ મુલાણીએ 65 રન આપી 6 વિકેટો ઝડપી હતી.

રણજી મેચ જીતવા માટે સૌરાષ્ટ્રે મુંબઇને 280 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જે રિતની વિકેટ છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મેચ રોમાચંક બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર અત્યાર સુધીમાં ચાલુ સિઝનમાં કુલ બે મેચ રમી છે.

જેમાં બંને મેચ ડ્રોમાં પરિણમી છે. પરંતુ પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમને બંને મેચમાં 3-3 પોઇન્ટ મળ્યા છે. પોઇન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ મજબૂત કરવા સૌરાષ્ટ્રે મુંબઇ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.