રોકડ, સોના-ચાંદીના ઘરેણા અને ચોરાઉ બાઈક મળી રૂા.3 લાખના મુદામાલ સાથે 4 શખ્સોની ધરપકડ

રાજુલા તાલુકાના હીંડોરણા ચોકડી પાસેથી સૌરાષ્ટ્ર-કચ્છમાં તરખાટ મચાવનાર ઘરફોડ ગેંગને ઝડપી લઈ 14 ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.3 લાખના મુદામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ અમરેલી જીલ્લામાં આર્થીક ગુનાનો ભેદ ઉકેલવા એસ.પી.હીમકરસિંહે આપેલી સુચનાને પગલે રાજુલા પોલીસ મથકના સ્ટાફે હીંડોરણા ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.

ત્યારે મેંદરડા તાલુકાના દાત્રાણ ગામનો વિપુલ વલ્લભ કાવટીયા, મોરબીના ખોખડદળ ગામનો ચીરાગ કિશોર પરમાર, રાજુલાનો બટુક વેલજી સોલંકી અને બાબરાનો મુકેશ તુલસી કાવટીયા નામના શખ્સોને અટકાવી બાઈક નંબર પોકેટએપમાં સર્ચ કરતા બાઈક ચોરાઉ હોવાનુ ખુલતા પોલીસે ચારેય શખ્સોની આકરી સરભરા કરતા વાંકાનેર, ચોટીલા, લાઠી, દામનગર, માંડવી, અંજાર, ગાંધીધામ, શાપર વેરાવળ, બાબરા અને રાજકોટ સહિત 14 સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે સોના-ચાંદીના ઘરેણા રોકડ અને બાઈક મળી રૂા.3 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલ શખ્સો સામે જુનાગઢ, સુરત, કચ્છ અને અમરેલી, પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. ઝડપાયેલ ગેંગ દ્વારા હાઈવે નજીક શહેર કે ગામમાં ચોરાઉ બાઈક સાથે રેકી કરી બંધ મકાન અને દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા.

રાજુલા પોલીસ મથકના પી.આઈ. જે.એન.પરમાર, પી.એસ.આઈ. રાધનપરા અને સ્ટાફ હરપાલસિંહ ગોહીલ, ભીખુભાઈ, દિનેશભાઈ અને ભરતભાઈ વાળા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.