અરબી સમુદ્રમાં સર્જાનારૂ લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ મજબૂત બનશે: ધારી-ગીરગઢડામાં ૩ ઈંચ, મહુવા અને ઉનામાં ૨ ઈંચ વરસાદ
છેલ્લા એક સપ્તાહી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં વિરામ લેતા જગતાતે હાશકારો અનુભવ્યો છે. જો કે, ગઈકાલી ફરી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મુકામ કર્યો હોય તેમ ગીર ગઢડા અને ધારીમાં ૩ ઈંચ જ્યારે મહુવા અને ઉનામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આવતીકાલે અરબી સમુદ્રમાં સર્જાનારૂ લો-પ્રેસર ૪૮ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી પ્રબળ સંભાવના છે. જેની અસરતળે કાલથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્ર અને તેની સાથે જોડાયેલા ઉત્તર કોંકણ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવતીકાલે એક લો-પ્રેસર બને છે. જે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે જેની અસરતળે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે, નર્મદા ભરૂચ, સુરત, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. શનિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે જયારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે જયારે નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વડોદરા, સૌરાષ્ટ્રમાં, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં અતિ ભારે, નર્મદા નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આવતીકાલી અરબી સમુદ્રમાં સર્જાનારા લો-પ્રેસરની અસર જાણે રાજ્યમાં બુધવારી જ વર્તાવાની શરૂ થઈ ગઈ હોય તેમ બુધવારે ૨૪ જિલ્લાના ૧૦૧ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને અમરેલીના ધારીમાં ૩ ઈચં વરસાદ પડયો હતો. જ્યારે ભાવનગરના મહુવા અને ઉનામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં પોણા બે ઈંચ, કોડીનારમાં દોઢ ઈંચ, સાવરકુંડળામાં દોઢ ઈંચ, જાફરાબાદ, તાલાલામાં ૧ ઈંચ, ધ્રાંગધ્રામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત મહેસાણાના જોટાનામાં ૧ ઈંચ, મહેસાણામાં ૧ ઈંચ, આણંદમાં ૧ ઈંચ, વડોદરાના ડભોલમાં ૨ ઈંચ, છોટા ઉદેપુરના સનખેડામાં ૨ ઈંચ, નસવાડીમાં દોઢ ઈંચ, છોટા ઉદેપુરમાં દોઢ ઈંચ, જેતપુર પાવીમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતના નર્મદાના તિલકવાડામાં ૨ ઈંચ, ગરૂડેશ્વર અને નાડોદમાં દોઢ ઈંચ, તાપીના ઉછાલમાં દોઢ ઈંચ, સુરતના મહુવા, માંગરોળમાં ૧ ઈંચ, નવસારીના ચિખલી, જલાલપોર, નવસારી શહેરમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજ સુધીમાં ૧૨૨.૬૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સવારી રાજ્યના ૧૧ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે.
તો રવિવાર સુધીમાં ભાદર ડેમ ઓવરફલો
ડેમ છલકાવામાં માત્ર ૦.૮૫ ફૂટ જ છેટુ: સૌની યોજના અંતર્ગત રોજ ૧૦૦ એમસીએફટીથી વધુ પાણી ઠલવાઈ રહ્યું છે
રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા પાંચ પૈકી મુખ્ય ચાર જળાશયો ઓવરફલો થઈ ગયા છે. એકમાત્ર ભાદર ડેમ છલકાવાનો બાકી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ભાદરમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો અને ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમની સપાટી ૩૩.૧૫ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં હવે માત્ર ૦.૮૫ ફૂટ જ બાકી રહ્યો છે. સૌની યોજના અને છલકાતા નદી નાળાના કારણે ડેમમાં રોજ ૧૦૦ એમસીએફટી પાણીની આવક થઈ રહી છે જો આ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો ભાદર રવિવાર સુધીમાં ઓવરફલો થઈ જશે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
સિંચાઈ વિભાગ અને મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૨૮ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. ડેમની જળ સપાટી હાલ ૩૩.૧૫ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં હવે માત્ર ૦.૮૫ ફૂટ જ બાકી છે. ડેમની કુલ સંગ્રહ શક્તિ ૬૬૪૪ એમસીએફટી છે જેની સામે આજ સુધી ડેમમાં ૬૨૫૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. હવે ડેમ સંગ્રહ શક્તિની દ્રષ્ટીએ માત્ર ૩૯૨ એમસીએફટી જ ભરાવાનો બાકી છે. ગઈકાલે એક જ દિવસમાં સૌની યોજના અને છલકાતા નદી-નાળાના કારણે ડેમમાં ૧૨૫ એમસીએફટી પાણીની આવક થવા પામી હતી. જો આ જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો રવિવાર સુધીમાં ભાદર ડેમ પણ ઓવરફલો થઈ જશે. બીજી તરફ કાલી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. આવામાં જો ભાદરના થાવ વિસ્તારમાં સારો વરસાદ પડશે તો શનિવારે પણ ડેમ ઓવરફલો થઈ જાય તેવી સંભાવના નકારી શકાતી નથી.