સૌની યોજના હેઠળ મોટા તાયફાઓ કરી જયાં જયાં ડેમો ભરવાની જાહેરાત કરી હતી ત્યાં વગર તાયફે કુદરતની મહેરથી ડેમો ઓવરફલો
ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ ખુબ મોટા તાયફાઓ કરી, મોટો ખર્ચ કરી, સૌની યોજના હેઠળ નર્મદા નીરના વધામણાના બહાને પ્રજાના પૈસાનો દુર્વ્યય કરી નર્મદાના નીરથી ડેમો ભરી આપશું તેવી જાહેરાતો કરેલ તેવા ડેમો આજેય ભરાયા નથી. અમુક ડેમો ભરાયા છે તે તો કુદરતની મહેરબાનીથી…શું કુદરતને પણ આનો ખર્ચ ચુકવવાનો થશે ખરો ? બોટાદનો કૃષ્ણસાગર ડેમ, ભીમળાદ તળાવ, રાજકોટના આજી-૧ ડેમ જયાં વડાપ્રધાનએ મોટા તાયફાઓ કરી નર્મદા નીરના વધામણા કર્યા તે આજેય ઓવરફલો થયા નથી, એ સિવાયના જસદણ વિસ્તારનાં સોમલપર ડેમ, પાટીયાળી ડેમ, રેવાણિયા, ધારૈઈ, આલણસાગર, રાણીંગપર, પાનેલીયા ડેમો ભરાઈ ગયા. ડીસેમ્બર-૨૦૧૫માં ૨૧૫ ડેમો ભરવાની વાતો કરેલ જેમાંથી ફકત ૫ ડેમોમાં અપૂરતું પાણી નાખ્યું ત્યાં વગર ખર્ચે,તાયફાઓ વિના, પ્રચાર વિના કુદરતે મોટાભાગના ડેમો ઓવરફલો કરી દીધા છે. એવું જણાય છે કે કુદરતને પણ આવા તાયફાઓ પસંદ નથી. પ્રજાના પૈસાનો દુર્વ્યય કરી, મોટા તાયફાઓ કરી ડેમો ભરવાની જાહેરાતો કરવાથી ડેમોમાં પાણી ભરાતું નથી, એ તો કુદરતની મહેરબાનીથી ભરાય છે, આવા તાયફાઓ પાછળની મહેચ્છા જાગૃત પ્રજા જાણી ચુકી છે. ૨૫ વર્ષથી એક પણ નવો ડેમ બન્યો નથી કે હયાત ડેમ રીપેર થયો નથી. જે પીવાનું પાણી પુરુ પાડી ન શકયા તે જસદણ નગરપાલિકાના સતાધીશો આલણસાગર કુદરતની કૃપાથી ભરાતા તાયફાઓ સાથે નિરના વધામણા કરવા નિકળી પડયા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાથી ખેડુતો ભારે મુશ્કેલીમાં છે, ખેડૂતોની જમોનોનું ખુબ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેતીમાં ઉભા મોલનું ધોવાણ થયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની બેદરકારીથી અનેક ડેમો જેમાં રીપેરીંગની જ‚રીયાત હતી તે રીપેર થયા નથી અને આજે આ ડેમો કુદરતની મહેરબાનીથી ભરાયા ભયજનક સ્થિતિમાં છે. અનેક જગ્યાએ કોઝ-વે-નાલા રીપેરીંગ ન થતાં અનેક જગ્યાઓ પર પુર સંરક્ષણ દિવાલોની રજુઆતો છતાં ન બનતા વરસાદના પાણી ખેતરોમાં ભરાયા છે અને ખેડુતોની કિંમતી મોલાતો, જમીનોનું ધોવાણ થયું છે. જસદણ-વિંછીયાનાં છાશીયા, નાના માત્રા, મોટી લાખાવડ, મોટા હમતીયા જેવા ગામોમાં તો મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે, ખેડુતો-માલધારીઓના પશુઓ તણાયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જમીનોનું ધોવાણ, પશુઓનું નુકસાન, ઉભા મોલનું ધોવાણ થયેલ છે ત્યાં ખેડુતોને બચાવવા સરકારે તાત્કાલિક પાકવિમો, નુકસાની, સહાયની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ તેવી અમારી માંગણી છે.