૫૫ માછીમારોની મુકિત બાદ વધુ પાંચને રીહા કરવામાં આવ્યા
ભારત-પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા અને એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાનનાં સંબંધોમાં તણાવ ઉદભવિત થઈ ગયો હતો. કહેવાય છે કે, ભારતે તમામ ક્ષેત્રે અને કુટનીતિમાં પાકિસ્તાનને પછાડયું છે અને આર્થિક રીતે તેની કમર પણ ભાંગી નાખી છે ત્યારે વિશ્વભરમાંથી કોઈપણ દેશનો સાથ ન મળતાં પાકિસ્તાનની પરિસ્થિતિ અતિશય દયનીય થઈ ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માટે કવાયત હાથધરી રહ્યું છે.
પાકિસ્તાન દ્વારા ભારતીય મુળનાં ૫૫ માછીમારોને છોડી દેવામાં આવ્યા છે જેમાં વધુ ૫ માછીમારોને પાકિસ્તાને છોડયા છે જેથી ભારત દેશ સાથે તણાવ પૂર્ણ સંબંધો સુધરી શકે. પાકિસ્તાન દ્વારા કરાંચીની મલીર જેલમાંથી મુકત કરાયાનાં અહેવાલો પણ સામે આવ્યા છે. જે તમામ માછીમારોને કરાંચી રેલવે સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને લાહોર પણ લઈ જવાયા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચેનાં તણાવપૂર્ણ સંબંધો સુધારવાનાં પ્રયાસોનાં ભાગ‚પે ૩૫૫ માછીમારોને અને પાંચ અન્ય જેલમાંથી છોડવાનાં નિર્ણય બાદ કુલ ૩૬૦ જેટલા કેદીઓને છોડવાની પાકિસ્તાન દ્વારા એપ્રીલ માસમાં જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં જેલબંધ ૩૬૦ માંથી ૩૫૫ માછીમારો હતા અને ૫ અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
તેમાંથી ૫૫ વ્યકિતઓ ભારતીય સીમા વટાવીને પાકિસ્તાનનાં દરિયામાં માછીમારી કરતાં પકડાયા હતા.જયારે અન્ય પાંચ ભારતીયોને ગેરકાયદેસર પાકિસ્તાની સરહદમાં દાખલ થતાં પકડી લેવામાં આવ્યા હતા.સોમવારે મુકત કરવામાં આવેલા તમામ ભારતીય નાગરિકોને લાહોર રેલવે મારફતે લાવીને વાઘા બોર્ડર પર ભારતીય સતાને સોંપવામાં આવશે.૭મી એપ્રીલે પાકિસ્તાન પ્રથમ ૧૦૦ માછીમારોને મુકત કર્યા બાદ બીજા ૧૦૦ માછીમારોને ૧૪ એપ્રીલે છોડયા હતા.