હજામતથી માંડી હટાણાં કરી પ્રજાએ મોકળાશ માણી: પાનના ગલ્લે પડાપડી તો કયાંક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા: લોકોએ માસ્ક પહેર્યું પણ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉન પાર્ટ-૪નો અમલ થઈ ચુકયો છે. રાજય સરકાર દ્વારા આંશિક છુટછાટ મળતા ગઈકાલથી સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રની બજારો ધમધમી ૫૫ દિવસની કેદમાંથી મુકિત મળતા ઘરમાં બેઠા-બેઠા કંટાળેલા લોકો બજારોમાં નીકળી પડયા હતા. પાન-ગલ્લાની દુકાનોએ લાંબી કતારો જામી હતી તો કયાંક ટ્રાફિક જામનાં દ્રશ્યો દેખાયા હતા. ઠેર-ઠેર ભીડ જોવા મળી હતી.
ભાવનગર
લોકડાઉન-૩ પુરુ થતા રાજય સરકાર દ્વારા છૂટછાટની જાહેરાત પછી લોકો બજારમાં ખુલતાની સાથે જ સવારે ૭ વાગ્યાથી નીકળી પડ્યા હતા જેમાં શહેરના કાળાનાળા, રૂપમ ચોક અને પીરછલા શેરી ખારગેટમાં થોડીવાર માટે ટ્રાફિકજામ જોવા મળ્યો હતા. પાન બીડીના અમુક હોલસેલરોએ દુકાનો ખોલી ન હતી. અને અમુક દુકાનો ભીડ વધુ હોવાના કારણે જલ્દી બંધ કરવામાં આવી હતી.
ભાવનગર શહેરનાં મેયર મનહરભાઈ મોરી અને નગરસેવક કિશોરભાઈ ગુરુમુખાણીનાં પ્રયત્નોથી અને બીએમસી કમિશનર ગાંધી સાથે ટેલીફોનીક વાતથી શાકમાર્કેટમાં અંદર ભાવનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા આખી શાકમાર્કેટને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું. આ તકે નગરસેવિકા ઉષાબેન તલરેજા, સિન્ધી જનરલ પંચાયતનાં પ્રમુખ કનુભાઈ છગનાણી, ભાજપ શહેર મંત્રી દિલીપભાઈ જોબનપુત્રા, ભાજપા પ્રશિક્ષણ સેલનાં શહેર ક્ધવીનર કમલેશભાઈ દેવાણી અને બીએમસી ફાયર બ્રિગેડનાં સ્ટાફનો આભાર માન્યો છે. આ પ્રસંગે ભાજપા પ્રશિક્ષણ સેલના શહેર ક્ધવીનર કમલેશભાઈ દેવાણી, શાકમાર્કેટનાં વેપારીઓ જીતુભાઈ કુકડેજા, અરવિંદભાઈ છગનાણી, દિપકભાઈ ગેહીજા, રામભાઈ ગેહીજા ઉપસ્થિત રહ્યા હતા.
કોઈએ પાન, બીડી મસાલાનું પુછયું તો કોઈએ વાળંદની દુકાનનું તો કોઈએ રીક્ષા અને બસનું કોઈએ ટ્રાન્સપોર્ટ કયારે ખુલશે તેનું પુછયું પણ એક પણ માણસ જેની ઉંમર ૭૫ વર્ષ છે તેને અબતક મીડિયા ભાવનગરનાં પત્રકારને બહાર બજારમાં સવાલ કર્યો હતો અને પુછયું કે મંદિર કયારે ખુલશે ? આ સાંભળી આજુબાજુના લોકોને પણ નવાઈ લાગી હતી.
જૂનાગઢ
જુનાગઢ જિલ્લા કલેકટર સોરભ પારઘી દ્વારા જારી કરેલા જાહેરનામા મુજબ નિશ્ચિત મર્યાદા અને નિયમ, માપદંડના આધારે જીવનજરૂરી વ્યવસાય શરૂ કરવા હુકમ કરવામાં આવ્યા છે અને આજથી ધીમી ધારે સંચાર શરૂ થયો હોય તેમ જનજીવન ધબકતું થયું છે.
બિલખા
બિલખા સરકાર દ્વારા લોકડાઉનની છુટછાટ મળતા પાન-માવાના શોખીનોમાં ઉત્સવ જોવા મળેલ હોય ત્યારે સવારના જેની રાહ જોતા હતા તે પાનનાં ગલ્લા ખુલ્યા પણ ટોબેકોની એક પણ દુકાન ન ખુલ્લી ત્યારે પાનના ગલ્લાવાળા પાસે માલ ન હોવાથી એક પણ પાન માવાનું વેચાણ કરી શકયા ન હતા.
રાજુલા
નવી ગાઈડલાઈન્સ મુજબ દુકાન ખોલવાની મંજુરી મળતા રાજુલાના મુખ્ય બજારોમાં મોટાપાયે ભીડ સાથે ચહલ-પહલ જોવા મળેલ હતી જેમાં પીજીવીસીએલથી લઈ હવેલી ચોક, મુખ્ય શાકમાર્કેટ તેમજ મેઈન બજારની બંને બાજુની બજારો બસ સ્ટેન્ડ સામેની શાકમાર્કેટમાં દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં કોઈપણ જગ્યાએ જાહેર જનતા કે વેપારીઓ દ્વારા સરકારની સુચના મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી.
રાજય સરકાર દ્વારા છુટ છતાં રાજુલામાં પાનના ગલ્લા બંધ રહ્યા હતા. રાજય સરકાર દ્વારા પાન-મસાલાના ગલ્લા ખુલ્લા રાખવાની છુટ અપાતા બંધાણીઓમાં હર્ષ ફેલાયો હતો.
પાનના ગલ્લાઓ ખુલ્યા પરંતુ ગલ્લાના સંચાલકો પાસે સોપારી-તમાકુ, બીડી વિગેરેનો જથ્થો નામનો પણ ન હોય બેસી રહેવું પડયું હતું. હોલસેલ વેપારીઓએ દુકાનો ખોલી ન હતી. ગ્રાહકો તથા નજીકના સુત્રોમાંથી મળતી વિગત અનુસાર એજન્સીનાં માલિકોએ લોકડાઉન દરમિયાન મોટાભાગનો જથ્થો કાળાબજાર કરી વહેંચી નાખેલ છે. જયારે લોકડાઉનનો ચુસ્ત અમલ કરનાર અમુક એજેન્સીના માલિકો પાસે હાલ જથ્થો છે. આ વેપારીઓ કૃત્રિમ અછત ઉભી કરી ફરી ગ્રાહકોને લુંટવા કાળાબજાર ન કરે તે અંગે તંત્રએ ધ્યાન આપવું જરી છે. અત્યાર સુધી દુકાનો ખોલવાની ઉતાવળ કરતા ટોબેકો વિક્રેતાઓ દુકાનો ખોલવા માટે તત્પર હવે દુકાનો શા માટે ખોલતા નથી ? કે પછી કાળાબજાર કરવા ટેવાયેલા ટોબેકો વિક્રેતાઓને મુળ કિંમતે વેચવામાં મુશ્કેલી પડે છે.
હડિયાણા
હડિયાણા ગામે લોકડાઉન-૪માં છુટછાટ મળતા ૫૮ દિવસ બાદ વાણંદની દુકાનો ખુલતા વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દુકાનોમાં માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સોશિયલ ડિસ્ટન્સનાં પાલન માટે ગ્રાહકો માટે વેઈટીંગ લીસ્ટ બનાવાયું હતું. પ્રથમ દિવસે જ ૭૫ જેટલા ગ્રાહકોએ હેર કટ કરાવવા નામ નોંધાવ્યા હતા. ગ્રાહકોને ફોન કરી ક્રમ મુજબ બોલાવવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉન-૪નાં પ્રતિબંધાત્મક આદેશો કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ મુજબ જાહેર મેળાવડા કે લોકોની ભીડ થાય તેવા એક પણ સ્થળોએ અવર-જવર બંધ જ રહેશે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારે ૮ થી બપોરે ૩ કલાક રહેશે. આવશ્યક ચીજવસ્તુઓનો સમય સવારે ૭ થી સાંજે ૭ સુધીનો રહેશે. તેમજ બિનઆવશ્યક ચીજ વસ્તુઓ માટેનો સમય સવારે ૮ થી ૪ કલાકનો રહેશે. ખાનગી ઓફિસોમાં ૩૩ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. દરેક એકમોના માલિકો, દુકાનદારોએ ૬ ફુટ સામાજિક અંતર જાળવવું, હેન્ડ વોશ સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે. તમામ નિયમો ૩૧ મે સુધી લાગુ પડશે.
ભાટીયા
કોરોના મહામારી ની રસી ન શોધાય ત્યાં સુધી તેની સંક્રમણ ની ચેન તોડવા અત્યારે એક જ ઉપાય લોકડાઉન હોય જેના માટે સરકાર દ્વારા બે માસ જેટલા સમય માં જનતા કરફ્યુ ,લોકડાઉન ફેસ ૧,૨,૩,આપ્યા બાદ ચોથા ફેઇઝમાં રાજય સરકાર દ્વારા લગભગ ૯૦ ટકા શરતો ને આધીન છૂટછાટ સાથે ધંધારોજગાર શરૂ કરવાની પરમીશન આપવામાં આવતા સવારથી ભાટીયા ના વેપારીઓ તેમજ નાગરિકો એ હાસકારો અનુભવી નવા વર્ષ માં ધંધા રોજગારનું મુર્હત કરવાનુ હોય તેવા ઉત્સાહ સાથે દુકાને પહોંચી જઇ રોજગાર શરૂ કરેલ .
બપોર ના સમય થી હેલ્થ કાર્ડ માટે લોકો ની ગવર્મેન્ટ હોસ્પિટલ પર ભારે ભીડ ભરાતા પોલીસ ને બોલાવી વ્યવસ્થા જળવવામાં આવેલ
ચોટીલામાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનાં લીરા ઉડયા
ચોથા લોકડાઉન નો પ્રારંભ થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણા રોજગાર ધંધાઓ શરૂ કરવા માટે જાહેરાત કરેલ છે. જેમાં ચોટીલામાં લોકો સામાજિક અંતરનું ભાન ભૂલી ગયા હતા.જેના કારણે લોકડાઉનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સરકાર દ્વારા લોકડાઉન નો કડક અમલ કરાવવા માટેના સરકારી અધિકારી ઓના અથાગ પ્રયત્નો કરીને લોકોને સમજણો આપવા છતાં ચોટીલાની બજારોમાં ટોળા નજરે ચડતા હતાં. અધિકારીઓ દ્વારા નગરજનોને સામાજિક અંતર,માસ્ક અને સેનેટાઈઝ કરવા અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા.અને હજુ પણ આ કોરોના વાઇરસનો ખતરો હોવાનુ પણ જણાંવ્યુ હતું ત્યારે તંત્ર ના અથાગ પ્રયત્નો, ગંભીર સૂચનો આપવા છતાં લોકો તમામ સૂચનો અને સમજણો ભૂલી જઈને ચોટીલા માં ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. લોકો આ બાબતે ગંભીરતા નહિ આપે તો ચોટીલામાં કોરોનાને પ્રસરતો કોઇ અટકાવી નહીં શકે તેવી ચર્ચાઓ થતી હતી.