બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અત્યારે બે આંકડાઓની ચર્ચા પુરા દેશમાં છે. એક તો કાશ્મીરમાંથી નાબૂદ કરેલી ૩૭૦ ની કલમ અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી. ૭૦ વર્ષ સુધી પાણી માટે ગુજરાતે અનહદ સંઘર્ષ કર્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આજે ઐતિહાસિક સપાટીએ છે, થોડા દિવસોમાં ૧૩૮ મીટરની સપાટી પર પહોંચી સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવશે.
સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના લગભગ ૧૧૫ જેટલા ડેમ નર્મદાના નીરથી છલકાવવામા આવ્યા છે, જેના થકી સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાઇ છે. તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, પહેલા કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોને બે બેડાં પાણી માટે વલખા મારવા પડતા હતા. પરંતુ આજે રાજ્ય સરકારની પાણીદાર યોજનાઓના પરિણામે પાણી ગામે-ગામ પહોંચ્યું છે. તાજેતરમાં જ નર્મદાના પાણી થકી કચ્છ જિલ્લાના ટપ્પર ડેમને ઓવરફ્લો કરવામાં આવ્યો છે. આમ નર્મદાનું પાણી ૬૦૦ કિલોમીટર દૂર કચ્છ જેવા સૂકા પ્રદેશોમાં પહોંચાડી રાજ્ય સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. આ જ રીતે આપણા શેત્રુજી અને ભાદર ડેમોને છલોછલ ભરી દેવામાં આવશે. આવા ભગીરથ કાર્ય થકી સમગ્ર પંથકનો ખેડૂત વધુ મજબૂત બન્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે જો સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી નિયમિત મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે.
ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સૌથી વધુ ટપક સિંચાઇ પદ્ધતિનો લાભ લઇ ઉગામેડી ગામના ખેડૂતોએ પ્રગતિશીલ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ છે વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે સૌની યોજના અંતર્ગત લિંક ૨ અને લિંક ૪નો સૌથી વધુ લાભ બોટાદ જિલ્લાને મળ્યો છે. જિલ્લાના કાનીયાડ ડેમ અને કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના નિરના આગમનથી પાણીની કોઈ સમસ્યા નહી રહે તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ઉગામેડી ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેટલાક સમય પૂર્વે વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા ઉગામેડી ગામને મોડલ જળ સંચય ગામ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ગામના સિમાડામાંથી નિકળતી સોનલ નદીને ૪ કિ.મી.ના એરિયામાં ફેરવવામાં આવી અને ૩૦ ફુટ ઉંડી ઉતારવામાં આવી. પુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ દેશની નદીઓને જોડવાની કલ્પના વ્યક્ત કરી અને આ કલ્પના મુજબનું મોડલ કેરી અને સોનલ નદીનું જોડાણ કરીને ઉગામેડી ગામની ધરતી પર ૧.૨૫ કરોડ લીટર પાણી સ્ટોરેઝ શક્તિ ઊભી કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર, પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા, રેન્જ આઈ. જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, આગેવાનો સુરેશભાઈ ગોધાણી, બાબુભાઇ જેબલીયા, ભોળાભાઈ રબારી, શંભુભાઈ, નરશીભાઈ તેમજ જિલ્લાના સબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.