મગફળી ખરીદીની શરતોમાં ફેરફાર કરી દર વિઘે રૂ.૫ હજારની સહાયની માંગણી કરતી કોંગ્રેસ
ચાલુ વરસે વરૂણદેવે કૃપા સાથે કાળો કહેર પણ વર્તાવ્યો છે. પાણી એ જીવન છે. તેની સામે પાણીએ પીડા અને ચિંતાનું વિષ પણ બની જાય છે. જેઠ માસથી શરૂ થયેલો વરસાદ ખેડુતો માટે ખુશી લઈને આવ્યો હતો પરંતુ એ વરસાદે આસો સુધી વરસતા ખેડુતોના મોંએ આવેલા કોળિયા ઝુંટવી લીધા છે.
છેલ્લા દસેક દિવસથી સૌરાષ્ટ્રને કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે. આ આફતરૂપી વરસાદથી ખેડુતોએ મહા-મહેનતે તૈયાર કરેલો પાક ૫૦ થી ૧૦૦ ટકા સુધી નિષ્ફળ ગયેલ છે. જેમાં મગફળી, કપાસ, તલ, અડદ, બાજરી અને જુવાર જેવા પાકોમાં વ્યાપાક પ્રમાણમાં નુકસાન થયેલ છે. પશુઓનાં મોઢા સુધી આવેલો ચારો સદંતર બગડી ગયો છે. આવા સંજોગોમાં ખેડુતો માટે સીઝન કરવી ખુબ જ મુશ્કેલ બની ગયેલ છે ત્યારે સરકારે પ્રત્યેક ખેડુતોની વ્હારે આવી સર્વે કર્યા વિના કે પાક વિમા પ્રિમીયમને ધ્યાને લીધા વગર તમામ ખેડુતોને દર વિઘે પાંચ હજાર રૂપિયાની સહાય તાકીદથી ચુકવવા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ સરકાર સમક્ષ રજુઆતો કરી છે.
કોંગ્રેસ પ્રમુખ લાડાણીએ મગફળી ખરીદી શરતોમાં ફેરફાર કરવાની માંગણી મુખ્યમંત્રી સમક્ષ કરતા જણાવેલું છે કે ચાલુ વરસે પુષ્કળ વરસાદથી ૩૨ લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે તેવી જાહેરાત ૧૫ દિવસ પહેલા કરી હતી પરંતુ છેલ્લા ૧૦ દિવસથી વરસેલા માવઠાથી સૌરાષ્ટ્રભરના ખેડુતોને મગફળી સહિતના પાકોએ નુકસાન કરેલું છે. મગફળીનો પાક ડેમેજ થયો છે. સરકારે નકકી કરેલ સ્થિતિ મુજબ મગફળી રહી નથી તો આ બાબતે સરકારે વજન, તોલમાપ, ધુળ-માટી વગેરેમાં જે શરતો મુકેલ છે તેમાં ફેરફાર કરવો જરૂરી છે અને નવી જાહેર કરવા સરકારને રજુઆતો કરી છે.