હીટવેવમાં સનસ્ટ્રોકથી બચવા વધુમાં વધુ પાણી પીવાની સલાહ: અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જવાની સંભાવના

રાજયમાં ઉનાળાના આરંભે સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રિતસર અગ્નવર્ષા કરી રહ્યા છે. હજી તો ઉનાળાની વ્યવસ્થિત શરૂઆત પણ નથી થઈ ત્યાં રાજયમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી આસપાસ પહોંચી જવા પામ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હિટવેવમાં સનસ્ટ્રોકથી બચવા લોકોને વધુમાં વધુ પાણી પીવાની સલાહ અપાઈ છે.હિટવેવ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે રાજકોટનું મહતમ તાપમાન ૩૯.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા રહેવા પામ્યું હતું. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું છે. આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં બે દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જાય તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે.

ઉનાળાનો આરંભ જ આ વર્ષે ખુબ જ આકરો રહ્યો છે. વહેલી સવારે અને મોડીરાત્રે સામાન્ય ઠંડકનો અહેસાસ થાય છે અને બપોરે સુર્ય નારાયણ કાળઝાળ બની રિતસર આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે. આગામી બે દિવસ હિટવેવથી બચવા લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની ખાસ તકેદારી રાખવા તથા સનસ્ટ્રોકથી બચવા વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.