ધારાસભ્યોનો કાફલો ગઢડાથી રાજુલા પહોંચ્યો, સવારે રાજુલાથી રવાના : કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા તેઓનો વિરોધ પ્રદર્શન કરવાનો વ્યૂહ
સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોએ રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં પાંચ દિવસનું રોકાણ કર્યા બાદ ગઢડામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓએ રાજુલામાં રાત્રી રોકાણ કર્યુ હતું અને આજે સવારે આ કાફલો ધારી- ખાંભા વિસ્તારમાં જવા રવાના થયો હતો. ત્યાં પણ તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. હાલ તો વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ એક જ સીટ જીતી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે અને પાર્ટીએ નુકસાન ન ભોગવવુ પડે તે માટે ઝોન વાઇઝ ધારાસભ્યોને ભેગા કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટ રિસોર્ટમાં રહેલ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોનો કેમ્પ બદલવામાં આવ્યો છે.તેઓનો કેમ્પ ધારીમાં સ્થળાંતર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે ત્યાં જતા પૂર્વે ધારાસભ્યોએ ગઢડામાં ટૂંકું રોકાણ કર્યું હતું. અહીં તેઓએ ધારાસભ્ય પ્રવીણ મારૂના રાજીનામાં અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગઢડા બાદ ધારાસભ્યો રાજુલા પહોંચ્યા હતા. જ્યા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે દર્શન હોટેલ બુક કરી ધારાસભ્યોના રાત્રી રોકાણની વ્યવસ્થા ગોઠવી હતી.
રાત્રી રોકાણ કર્યા બાદ આજ સવારે આ ધારાસભ્યોનો કાફલો ધારી- ખાંભા વિસ્તારમાં જવા રવાના થયો છે. ત્યાં તેઓ રાજીનામુ આપનાર ધારાસભ્ય કાકડીયા સામે વિરોધ પ્રદર્શન કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ધારાસભ્યોના કાફલા સાથે રાજુલામાં કોંગી અગ્રણી અર્જૂન મોઢવાડીયા અને હાર્દિક પટેલ પણ જોવા મળ્યા હતા.
દ્રોહી ધારાસભ્યના મત વિસ્તારના લોકોને જાગૃત કરાશે : અંબરીશ ડેર
રાજુલા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું કે જે ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. તે દ્રોહી ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને અમે લોકોને જાગૃત કરીશું. પ્રજાને સમજાવીશું કે આવા દગો આપનાર ધારાસભ્યોને હવે જાકારો આપવામાં આવે. ઉપરાંત ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું.
જે ધારાસભ્યોએ દ્રોહ કર્યો તેના વિસ્તારમાં જઈને વિરોધ કરાશે : અર્જુન મોઢવાડીયા
કોંગી અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે જે જે ધારાસભ્યોની ભાજપે ખરીદી કરી અને તે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડીને કોંગ્રેસ પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે. તેઓના વિસ્તારમાં જઈને તમામ ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરશે.