હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે
મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ૧૦થી નીચે જતા જનજીવન પર અસર
ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પર માઠી અસર પડી છે. હાલ રાજકોટમાં ૧૦.૬ જેટલુ તાપમાન નોંધાયું છે. નલીયામાં ૮.૫, ગાંધીનગર ૮.૬ અને અમદાવાદ ૯.૭ જેટલુ તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ હાલમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, નલીયા, અમરેલી, ભૂજ સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજરોજ મોટાભાગનાં વિસ્તારોમાં પારો ૧૧ થી નીચે પહોચ્યો હતો. અને જનજીવન પર માઠી અસર પહોચી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.
કચ્છનાક નલીયામાં તાપમાન ૮.૫ ડીગ્રી રહેવા પામ્યું હતુ.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી. જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૦.૬ જયારે મહતમ તાપમાન ૨૭.૪ નોંધાવા પામ્યું હતુ. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા જેટલુ નોંધાયું છે.સવારે રાજકોટમાં ૯.૩૦ કલાકે પણ તાપમાન ૧૦.૬ જેટલુ નોંધાયું છે. પવનની ગતિ સરેરાશ ૮ કિલોમીટર પ્રતિકલાકની રહેવા પામી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ૪૮ કલાક સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. વહેલી સવારે અને મોડીરાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ઠંડીથી બચવા સવારે અને રાત્રે લોકો તાપણાનો પણ આશરો લેતા નજરે ચડે છે. કાતિલ ઠંડી સામે સ્વેટર, મફલર, ટોપી, શાલ, અને હિટર સહિતના તમામ ઉપકરણો બે અસર પૂરવાર થઈ રહ્યા છે. ઠંડીમાં મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ લોકોને શરદી, તાવ જેવી સામાન્ય બીમારી પણ વધી રહી છે. પારો નીચે ગગડતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોમાં લોકોનાં જીવન પર માઠી અસર પડી છે.