ગીરનાર પર્વત પર લધુતમ તાપમાનનો પારો 6.4 ડિગ્રીએ પહોંચી ગયો: રાજકોટનું 11.9 ડિગ્રી, ડિસા 10 ડિગ્રી,: કાલથી ઠંડીમાં થોડી રાહત મળશે
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યું છે. બર્ફિલા પવન ફુંકાવાના કારણે જનજીવન દિવસભર થર થર ધ્રુજી રહ્યું છે. નલીના આજે પણ 6.1 ડિગ્રી સાથે ઠંડીની આગોસમાં જકડાય ગયું હતું. આવતીકાલથી ઠંડીમાં થોડી રાહત અનુભવાશે રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો થોડો ઉંચકાયો હતો અને 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જમ્મુ-કાશ્માીર સહિત ઉતર ભારતના રાજયોમાં સતત પડી રહેલી હિમવર્ષાના કારણે ગુજરાત સહિતના અનેક રાજયોમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ તો ગાત્રો થીજાવતી ઠંડીમાં રિતસર ઠુંઠવાય રહ્યું છે. ગઇકાલે કચ્છના નલીયાનું તાપમાન ર ડિગ્રીએ પહોંચી જવાના કારણે લોકો ઠુંઠવાય ગયા હતા. આજે નલીયામાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઉંચકાયો હતો. જો કે નલીયા આજે પણ 6.1 ડિગ્રી સેલ્સીયશ તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું. રાજકોટમાં આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો. આજે શહેરનું લધુતમ તાપમાન 11.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની સરેરાશ ઝડપ 1ર કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. બર્ફિલા પવન ફુંકાવવાના કારણે દિવસ દરમિયાન શહેરીજનોએ હાડ ધ્રુંજાવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.
જુનાગઢનું લધુતમ તાપમાન આજે 11.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા અને પવનની સરેરાશ ઝડપ પ.5 કી.મી. રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચી જવા પામ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 14.1 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.8 ડિગ્રી, બરોડાનું તાપમાન 14.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 10 ડિગ્રી, દીવનું તાપમાન 15.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 15.8 ડિગ્રી, કંડલાનું તાપમાન 1ર ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાળથી ઠંડીનું જોર થોડુ ઘટશે ચાર પાંચ દિવસ સુધી ઠંડીમાં રાહત રહ્યા બાદ આવતા સપ્તાહથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવશે..