- વિજય હઝારે ટ્રોફીમાં સર્વાધિક વિકેટ લઈ સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવતા બીસીસીઆઈનું તેડું: સૌરાષ્ટ્રના બે સાવજ ટીમનો હિસ્સો
- 12 વર્ષના લાંબા ગાળા બાદ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે જયદેવની પસંદગી
બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને બીસીસીઆઇનું તેડું આવ્યું છે. વિજય હઝારે ટ્રોફીના સર્વાધિક વિકેટ લેનાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું. સારા પ્રદશનના કારણે આગામી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12 વર્ષના લાંબા ગાળા બાદ જયદેવની ઇન્ડિયન ટીમમાં પસંદગી થઈ છે. જેના કારણે હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌરાષ્ટ્રના બે સાવજ હિસ્સો રહેશે.
બાંગ્લાદેશ પ્રવાસ દરમિયના વન ડે શ્રેણી બાદ ટેસ્ટ મેચની શ્રેણી યોજાનાર છે. આ શ્રેણીમાં બે ટેસ્ટ મેચ રમાનારી છે. આ માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલાથી જ થઈ ચુકી છે. પરંતુ હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓમાં ઈજાને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોહમ્મદ શમી પણ ટેસ્ટ સિરીઝ પહેલા ઈજાને લઈ બહાર થવુ પડ્યુ છે. એવામાં સવાલો થઈ રહ્યા હતા કે શમીના સ્થાને ટીમ ઈન્ડિયામાં કોનો સમાવેશ થશે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યુ છે. તેને 12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફરવાનો મોકો મળ્યો છે.
જયદેવે 2010માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 12 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટીમ ઈન્ડિયામાં જયદેવ સામેલ હતો અને જ્યાં સેન્ચ્યુરિયન ટેસ્ટનો હિસ્સો રહ્યો હતો. જોકે ત્યાર બાદ તેને ફરીથી રેડ બોલ ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ વિજય હઝારે ટ્રોફી માં સર્વાધિક વિકેટ ઝડપી શ્રેષ્ઠ પ્રદર્શન કારણે સૌરાષ્ટ્રને વિજેતા બનાવતા 12 વર્ષના લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયા માટે ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળી શકે છે.સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટનુ નામ જાહેર થતાં પહેલાં વધુ બે બોલારના નામ ચર્ચામાં આવતા હતા. જેમાં મુકેશ કુમાર અથવા જમ્મુ એક્સપ્રેસ તરીકે જાણિતા બનેલા ઉમરાન મલિકની ચર્ચા ચાલી રહી હતી. જે બંનેમાંથી કોઈ એક શમીનુ સ્થાન લેશે એમ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ આ વચ્ચે જ હવે જયદેવનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે.
12 વર્ષથી તકની રાહ જોઈ રહ્યો હતો: જયદેવ ઉનડકટ
સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમના સ્થાન મળતા ફાસ્ટ બોલરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, ” આ સમાચાર મળ્યા ત્યારે પૂરો પરિવાર સાથે હતો અને ટીમમાં પસંદગીની વાત સાંભળતા પરિવારના સભ્યો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.” તો ટીમમાં પસંદગી થતા જયદેવ ઉનડકટ વાત કરી હતી કે, ” ભારતીય ટીમમાં રમવા માટે હું હંમેશા મોટીવેટ જ રહ્યો છું. 12 વર્ષથી હું આ તકની રાહ જોઈ રહ્યો હતો. આગામી ટેસ્ટ શ્રેણીમાં સારા પ્રદર્શન માટે પૂરતો પ્રયત્ન કરીશ.”