૧૩મીએ સમાપન પ્રસંગમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂ.રમેશભાઈ ઓઝા હાજરી આપશે: નાના ભુલકાઓ માટે ‘કિડસ ફેસ્ટીવલ’ યોજાશે
રાજ્ય સરકારના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૦૯ થી ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રાજકોટના રેસકોર્ષ ખાતે સૌરાષ્ટ્રબુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલ યોજવામાં આવશે. જેનું ઉદધાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.
સાહિત્યના આ ફેસ્ટીવલમાં નાના ભુલકાઓ માટે ખાસ કિડ્સ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવનાર છે. જે પૈકી, ધોરણ ૧ થી ૫ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સવારે ૧૦-૦૦ થી બપોરના ૦૧-૦૦ વાગ્યા સુધી વિવીધ પ્રવૃતિઓ યોજવામાં આવનારછે. ધોરણ ૬ થી ૧૦માં ભણતા વિદ્યાર્થીઓ માટે બપોરે ૦૩-૦૦થી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી વિવીધ ફન ગેમ્સ યોજવામાં આવનાર છે જેમાં વન મીનીટ ગેમ્સ, ક્રીએટીવ ક્રાફ્ટસ, ચિત્રસ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ફોટોબેઈઝડ -સ્ટોરી રાઈટીંગ વગેરે જેવી અનેક રમતોનો સમાવેશ કરવામાં આવનાર છે. ક્રીએટીવ ક્રાફ્ટસ માટે લક્ષમણ આર. લાપડા અને તેની ટીમ, વેસ્ટમાંથી બેસ્ટ માટે ધારા સંજીવની અને તેની ટીમ, ચિત્ર હરીફાઇ માટે મિશન સ્માર્ટ સિટી(ચિત્ર નગરી)ના સભ્યો ઉપસ્થિત રહેશે. સવારે ૧૦-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી ચાલુ રહેનારા સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલમાં અલગ અલગ વર્કશોપ, સાહિત્ય તરવરાટ સંધ્યા, શબ્દ સંવાદ,કિડ્સ વર્લ્ડ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. સાહિત્યના મહાસાગરના સમાપન વેળાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પુજ્ય રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહેશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને કો-ઓર્ડીનેટર ડો. મેહુલભાઈ રૂપાણીએ જણાવ્યું છે.