૧૫૦થી વધુ બુક-સ્ટોલ્સ અને પુસ્તકોનાં વિપુલ દરિયા હિલોળા લેશે સૌરાષ્ટ્રની શબ્દ-સાહિત્ય-કલાપ્રેમી જનતા !
સર્જન વર્કશોપમાં ‘શોર્ટ ફિલ્મ’, શબ્દ સંવાદમાં ‘સાહિત્ય-વાંચન અને વિચાર’, ભાષાનાં ભવિષ્યમાં બુક-રીડિંગ હેબિટ અનુ તરવરાટ સાહિત્ય સંઘ્યામાં વિવિધ વિષયો પર વાત કરશે લેખક-સાહિત્યકારો !
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી શરૂ થવા જઈ રહેલા સૌરાષ્ટ્ર બુક-ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સૌરાષ્ટ્રનાં આ પાંચ દિવસીય શબ્દ-મહોત્સવમાં અલગ-અલગ પ્રકારની વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૧૦ વાગ્યે શરૂ થવા જઈ રહેલા લિટરેચર ફેસ્ટિવલ સર્વપ્રથમ સર્જન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ટરનેશનલ (લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલ) એવોર્ડ વિજેતા હારિતઋષિ પુરોહિત (ડિરેકટર-રાઈટર, સેવન્થ સેન્સ કોન્સેપ્ટસ) અને નિરેન ભટ્ટ (રોંગ સાઈડ રાજુ, બે યાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં લેખક)નાં વકતવ્યોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શબ્દ સંવાદ કાર્યક્રમ હેઠળ સાહિત્ય વાંચન અને વિચાર પર બપોરે ૪ થી સાંજે ૬ સુધી ચર્ચા કરશે. કૌશિક મહેતા અને સુભાષ ભટ્ટ ભાષાનું ભવિષ્ય (ઓથર્સ કોર્નર)માં બપોરે ૨ થી ૩:૩૦ દરમિયાન બુક-રીડિંગ હેબિટ પર તન્વી ગાદોયા અને હિરેન વાછાણી સંવાદ કરશે. સાંજે ૬ વાગ્યે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે બુક-ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટન થશે. સાંજે ૭ થી ૯ ચાલનારા તરવરાટ સાહિત્ય સંઘ્યામાં શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, સાંઈરામ દવે અને અંકિત ત્રિવેદી સાહિત્યરસિકો સાથે ગોષ્ઠિ કરશે.
તમામ પુસ્તકપ્રેમી અને સાહિત્ય કલાનાં ઉપાસકોને સૌરાષ્ટ્ર બુક-ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં આવવા માટેનું ખાસ આમંત્રણ આપવામાં આવે છે. બુક-ફેરની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પર પોતાના મનગમતાં વકતાઓના સેશનમાં હાજર રહેવાનું ચુકાઈ ન જાય એ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.