સવારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો: અંતિમયાત્રામાં રાજકીય, સામાજીક અગ્રણીઓ જોડાયા: ધ્રુવ પરિવાર શોકમગ્ન
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવના માતુશ્રીનુ નિર્મલાબેન મનહરભાઈ ધ્રુવ (ઉ.૮૮)નું આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા દુ:ખ નિધન થયું છે. હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહેતા નિર્મલાબેનના અકાળે અવસાનથી ધ્રુવ પરિવાર શોકમગ્ન બની ગયો છે. આજે બપોરે નિકળેલી તેઓની અંતિમયાત્રામાં શહેરના રાજકીય અગ્રણી, સામાજીક અગ્રણી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતા અને આ દુ:ખની ઘડીમાં ધ્રુવ પરિવારને સાંત્વના પાઠવી હતી.
નિર્મલાબેન મનહરભાઈ ધ્રુવ (ઉ.૮૮)તે સ્વ.મનહરભાઈ રાયચંદભાઈ ધ્રુવના પત્ની, મહેન્દ્રભાઈ, નરેશભાઈ, વસંતભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, વિણાબેન અને મંજુલાબેનના માતુશ્રીનું આજે સવારે હૃદયરોગના હુમલોથી દુ:ખદ અવસાન થયું છે. હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો.
આજે બપોરે ૪ વાગ્યે ૧૭-સરદારનગર, પૂજારા ટેલીકોમની પાછળની શેરી, એસ્ટ્રોન ચોક પાસે, મનહર એપાર્ટમેન્ટ સ્થિત તેઓના નિવાસ સ્થાન ખાતેથી સ્વ.નિર્મલાબેનની અંતિમયાત્રા નિકળી હતી. રામનાથપરા મુક્તિધામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ પૂર્વે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કિરીટભાઈ પાઠક તથા કોર્પોરેશન ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરે સ્વ.નિર્મલાબેન ના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણી જોડાયા હતા. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયાએ રાજુભાઈ ધ્રુવને ફોન કરી નિર્મલાબેનના દુ:ખદ નિધન બદલ શોકની લાગણી વ્યકત કરી હતી અને પરિવાર પર આવી પડેલી આ દુ:ખની ઘડી સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક શારીરિક તકલીફો હોવા છતાં નિર્મલાબેન ધ્રુવ હંમેશા દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરવા જતા હતા જે યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત હતા. તેઓ ભક્તિમય જીવન પસાર કરતા હતા.