રાજકોટમાં પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને યુવાનની કરપીણ હત્યા : ખારચીયા-દડવા રોડ પર યુવકને ચોર સમજી ઢીમ ઢાળી દીધું ,રાણાવાવમાં વૃદ્વાને નિર્વસ્ત્ર કરી ભત્રીજાએ મોતને ઘાટ ઉતારી દીધી
સૌરાષ્ટ્ર ક્રાઇમ કેપીટલ બન્યું હોય તેમ એક જ દિવસમાં બે યુવાનોને અને એક વૃદ્વાની કરપીણ હત્યા થયાનું પ્રકાશવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. રાજકોટના રૈયા રોડ પર નોનવેજના ધંધાર્થી યુવાન સાથે પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને ઝઘડો કરી ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાનું, ભાડલાનો યુવાન દડવા નજીક મામા સાહેબના મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે હોટલ સંચાલકોએ ચોર સમજી ઢીમ ઢાળી દીધાનું અને રાણાવાવ નજીક 60 વર્ષની વૃદ્વાને તેના સગા ભત્રીજાએ બસ સ્ટેશન પાછળ નિર્વસ્ત્ર કરી મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસમાં નોંધાયું છે. ત્રણેય હત્યાની ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
રાજકોટમાં પૈસાની લેતી દેતી મુદ્દે ઈંડાના ધંધાર્થીની ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી કરી હત્યા
બચાવવા વચ્ચે પડેલા મૃતકના પિતાને છરી લાગી જતા હોસ્પિટલમાં દાખલ ગાંધીગ્રામ પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
રાજકોટમાં રૈયા રોડ પરનાં આઝાદ ચોકમાં સરકાર નોનવેજ નામની લારી ધરાવતા યુવાન અને તેના પિતા ઉપર ગઇકાલ રાત્રીના ત્રણ શખ્સોએ પૈસાની લેતી દેતી મુદ્દે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકને છરીના સાત જેટલા ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ઘાયલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.જ્યારે તેના પિતાને છરી વાગી જતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળે અને ત્રણેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રૈયા રોડ ઉપરનાં નહેરૂનગર 3માં ઘાંચી જમાતખાના પાસે રહેતો જૂનેદ કચરા (ઉં.વ.33) અને તેના પિતા રમઝાનભાઈ આઝાદ ચોકમાં સરકાર નોનવેજ મની લારી ધરાવે છે. ગઈકાલ રાત્રે બન્ને લારીએ હતા ત્યારે હનુમાન મઢી પાસે રહેતા રિયાઝ રહીમ સુમરા,અરબાઝ રૂસ્તમભાઈ ઉર્ફે અબ્દુલભાઈ શેખ અને સુમીત હજારી ત્યાં ઘસી આવ્યા હતા અને પૈસાની લેતી દેતીના પ્રશ્ને જુનેદ સાથે ઝઘડો કરી રિયાઝ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જુને ત્યાંથી ભાગવા જતા આરોપી સુમિત અને અરબાઝે જુનેદને પકડી રાખ્યા બાદ ત્રણેય શખ્સોએ છરીના સાતક જેટલા ઘા ઝીંક્યા હતા.
આ સમયે પોતાના પુત્રને હુમલાખોરોની બચાવવા રમઝાન ભાઈ કચરા વચ્ચે પડ્યા હતા જેમાં આરોપીઓ દ્વારા તેમને પણ છરી મારી દેવામાં આવતા તે પણ ઘવાયા હતા. આ બનાવમાં જુનેદ અને તેના પિતા રમઝાનભાઈને ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં ગંભીર રીતે ઘવાયેલાં જુનેદ કચરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે મૃતક જૂનેદને સંતાનમાં ત્રણ પુત્રી છે. અને તે એક મોટો ભાઈ અને બહેન પણ છે. જાણ થતાં તેના પરિવારજનો અને સગા સબંધીઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. મોડી રાત્રે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.આ ઘટનાને પગલે આઝાદ ચોક વિસ્તારનાં વેપારીઓ દુકાનો ટપોટપ બંધ કરી જતા રહ્યા હતાં.જ્યારે પોલીસ દ્વારા હાલ ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાણાવાવ: વૃદ્વ ફૂઇને નિર્વસ્ત્ર કરી પથ્થરના ઘા ઝીંકી ભત્રીજાએ ઢીમ ઢાળી દીધું
રખડતું જીવન જીવતા ભત્રીજાની હત્યાના ગુનામાં ધરપકડ
રાણાવાવ નગરપાલિકાના બગીચા પાછળ રહેતા લીલાબેન વિસાભાઇ વાઘેલા નામના 60 વર્ષના વૃદ્વાને રાણાવાવ બસ સ્ટેશન પાછળ નિર્વસ્ત્ર કરી સગા ભત્રીજા ભાવેશ બાબુ દશનામી નામના શખ્સે હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે હત્યાના ગુનામાં મૃતકના ભત્રીજાની ધરપકડ કરી હત્યા શા માટે કરી તે અંગે પૂછપરછ હાથધરી છે.
આ અંગે પોલીસમાં વધુ વિગત મુજબ 60 વર્ષના વૃદ્વા લીલાબેન લાંબા સમયથી બસ સ્ટેશન આજુબાજુ ભીક્ષાવૃત્તિ કરી રખડતું-ભટકતું જીવન જીવે છે. લીલાબેનના ભાઇ બાબુભાઇ દશનામીનો પુત્ર ભાવેશ પણ રખડતું-ભટકતું જીવન જીવે છે. બંને ગઇકાલે બસ સ્ટેશન પાછળ ગયા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થતાં ભાવેશે પોતાને ફૂઇ લીલાબેનના કપડા કાઢી પથ્થર મારી હત્યા કર્યા અંગેની દેવશીભાઇ વિસાભાઇ વાઘેલાએ રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાણાવાવ પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવે ભાવેશ બાબુ દશનામીની ધરપકડ કરી હત્યા શા માટે કરી તે અંગે પૂછપરછ હાથધરી છે.
ભાડલાના યુવકને ચોર સમજી હોટલ અને પેટ્રોલ પંપના કર્મચારીએ કરી હત્યા
સાળા અને ફુવાજી સાથે દર્શન કરી પરત આવતા બેહરમીથી લાકડીથી ફટકારી હત્યા કરાયાનો આટકોટ પોલીસમાં નોંધાતો ગુનો
મૂળ ભાડલાના વતની અને ચોટીલા હાઇવે પર પાણીની બોટલ વેંચતા યુવકને ખારચીયા-મોટા દડવા રોડ પર ચોર સમજીને હોટલ અને પેટ્રોલ પંપના સંચાલકોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના કાકાએ આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જસદણ તાલુકાના ભાડલા ગામના વતની અને છેલ્લા પાંચેક વર્ષથી પત્ની આરતીબેન અને પાંચ વર્ષની પુત્રી સાથે ચોટીલા સ્થાયી થયેલા મયંક સુરેશભાઇ કુબાવત નામના 32 વર્ષના બાવાજી યુવાનને ખારચીયા-મોટા દડવા રોડ પર આવેલી હોટલ પાસેથી લાશ મળી આવી હતી. મૃતક મયંક પોતાના સાળા રોહિત અને ફૂવાજી સસરા સાથે ગઇકાલે જીજે-3 એમએસ-6873 નંબરના બાઇક પર મોટાદડવા નજીક મામા સાહેબના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્રણેય પરત આવ્યા ત્યારે પેટ્રોલ પંપ પાસે કેટલાક શખ્સોએ ત્રણેયને અટકાવી માર મારવાનો શરૂ કરતા મયંકના ફૂવાજી અને સાળો રોહિત ત્યાંથી ભાગી છૂટ્યા
હતા જ્યારે મયંક કુબાવતને બાઇક પર એક હોટલ લઇ જઇ હોટલના ઓફિસ રૂમમાં બેહરમીથી માર મારી મોતને ઘાટ ઉતાર્યાની વિજય જમનાદાસ કુબાવતે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા યુવકનું હોટલ ગ્રાઉન્ડમાં પડી ગયો હોવાની હોટલ સંચાલકો દ્વારા 108ને જાણ કરાતા જસદણ એમ્બ્યુલન્સના પાયલોટે યુવકનું મોત નિપજ્યાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી. આટકોટ પોલીસે બાઇક નંબરના આધારે મૃતક મયંક કુબાવત અને તે ભાડલાનો વતની હોવાનો શોધી કાઢ્યું હતું. મૃતક ઓળખ મળ્યા બાદ વિજયભાઇ કુબાવતની પૂછપરછ દરમિયાન મયંકના સાળા રોહિતભાઇ અને ફૂવાજીને પણ માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. ત્રણેયને ચોર સમજીને માર માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હોટલ સંચાલક અને પેટ્રોલ પંપ સંચાલકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. મયંક કુબાવતની હત્યા કોને અને શા માટે કરી તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.