- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની ઉડીને આંખે વળગે તેવી સિધ્ધિ એટલે ‘સૌની યોજના’ થકી 99 જળાશયો થયા નીરથી તરબતર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીભર્યા આયોજનને લીધે વર્ષ-2012માં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 115 જળાશયોને નર્મદાનીરથી ભરવાની મહત્વાકાંક્ષી “સૌની” યોજનાના ગણેશ રાજકોટથી થયા હતા, જે યોજના આજે મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની સમસ્યાને દૂર કરવામાં અને આ વિસ્તારમાં સમૃધ્ધિના દ્વાર ખોલવામાં અત્યંત અગત્યની પુરવાર થઈ છે.
એક સમયે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પાણીની તંગી હતી. ગામડાની બહેનોને એક બેડું પાણી ભરવા માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવી પડતી હતી. અગાઉના સમયમાં વરસાદ સહેજ ખેંચાય તો દુકાળના ડાકલા વાગતા. “સૌની” યોજનાને લીધે હવે એ દિવસો ભૂતકાળ બની ગયા છે. આજે સૌની યોજના મારફતે નર્મદાના નીર સૌરાષ્ટ્રના 99 જેટલા જળાશયોમાં ઠલવાઈ રહ્યા છે. તેનાથી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 6.5 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.
સૌરાષ્ટ્રનો ભૌગોલિક વિસ્તાર ઊંધી રકાબી જેવો હોવાથી અહીં પીવા તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન કાયમી રહેતો. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટૂંકી લંબાઈ ધરાવતી નદીઓ છે. જેમાં બારેમાસ પાણી રહેતું નથી. સૌરાષ્ટ્રમાં પીવા તેમજ સિંચાઈ માટે પાણીની કાયમી માગ રહેતી હતી અને તેની ફરિયાદો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી હતી.
આથી સૌરાષ્ટ્રની નદીઓમાં નર્મદાના પાણી ઠાલવી તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા તત્કાલીન મુખ્યમંત્રી તેમજ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતે તા. 25 સપ્ટેમ્બર, 2012ના રોજ યોજાયેલા કિસાન વિકાસ સંમેલનમાં ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના’ (સૌની યોજના)ની જાહેરાત કરી હતી.
આ યોજના હેઠળ નર્મદાના પુરના નીરથી સૌરાષ્ટ્રના 115 હયાત જળાશયો ભરીને આશરે 970 કરતાં વધુ ગામોને સિંચાઈના પાણી તેમજ 737 ગામો અને 31 શહેરોને પીવાના પાણીનું પાણી પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું. જેમાં ચાર લિન્ક પાઈપ લાઈન મારફતે આશરે 8.25 લાખ એકર જેટલા વિસ્તારમાં રૂપિયા 18,563 કરોડના ખર્ચે સિંચાઈ તથા પીવાના પાણીનો લાભ આપવા યોજના બનાવવામાં આવી હતી. કુલ 1371 કિમી. લંબાઈમાં 6 ફૂટથી 10 ફૂટના વ્યાસની માઈલ્ડ સ્ટીલના પાઈપની ચાર જુદી જુદી લિન્ક પાઇપલાઇન બિછાવવા યોજના બની હતી.
સૌની યોજનાની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 115 જળાશયો પૈકી 99 જળાશયો જોડી દેવામાં આવ્યા છે. બાકીના જળાશયો જોડવાની કામગીરી પ્રગતિમાં છે. સૌની યોજનાના તબક્કાવાર કુલ 1320 કિમીની પાઇપલાઇન નાખવામાં આવી છે અને સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં 6.5 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.
સૌની યોજનાની પથરેખાથી ત્રણ કિમી વિસ્તારમાં આવતા વંચિત ગામોને સૌની યોજના સાથે જોડી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનો ઐતિહાસિક નિર્ણય વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. જેથી બાકી રહેતા ગામોને પણ સૌની યોજના સાથે જોડવાની કામગીરી હાલ ચાલુ છે.
સૌની યોજના લિન્ક-3ના પેકેજ-10ની લાઈનને આગળ વધારીને રૂ. 32.78 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાના ડોન્ડી ડેમ હેઠળ પાંચ ગામો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ, કબરકા અને સોનમતી જળાશય આધારિત 21 ગામો અને પથરેખાથી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા સાત ગામો મળી કુલ 33 ગામોને જોડવાના કામનું ખાતમુહૂર્ત હાલમાં જ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું છે.