રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, મોરબી શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી: ઠેર-ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યા, રકતદાન કેમ્પ, સ્પર્ધાઓના આયોજનો: વિરપુર જલારામ મંદિર સહિત સમસ્ત ગામ રોશની, દિવડા, રંગોળીથી ઝગમગ્યું.
નાત-જાતના ભેદભાવ વગર સૌને અન્નનો ટૂકડો ખવડાવી પરોપકારી જીવન જીવી ગયેલા વીરપુરના સંત શિરોમણી એવા જલારામ બાપાની આજે કારતક સુદ સાતમને બુધવારે ૨૧૯મી જન્મજયંતિ છે.રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા ઠેર-ઠેર મહાઆરતી, ભજન સંધ્યા, મહાપ્રસાદ, રકતદાન કેમ્પ, વિવિધ હરિફાઈઓના આયોજનો કરાયા છે.
દિવાળી પછી આવતી જલારામ જયંતીની લોહાણા સમાજમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જામે છે.સૌરાષ્ટ્રના વિરપુર સહિત તમામ જલારામ મંદિરોમાં રોશ્નીના ઝળહળાં, સુશોભન અને બાપાને અવનવા શણગાર કરાયા છે.તેમજ ઘણી જગ્યાએ અન્નકૂટનો થાળ ધરવામાં આવશે.
વિરપુરમાં આજે જલાબાપાની ૨૧૯મી જન્મજયંતીને ઉજવવા દર વર્ષની જેમ જલારામ મંદિર સહિત સમસ્ત વિરપુર ગામને શણગાર કરવામાં આવ્યો છે. ઘેર-ઘેર દિવડા, રંગોળી કરવામાં આવી છે. વિરપુરના જલારામ મંદિરે આજે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશના તમામ જલારામ ભક્તો ઉમટયા છે. આજે લોકો વીરપુરના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી. રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, ગોંડલ, પોરબંદર વગેરે શહેરોમાં જલારામ ભક્તિનો માહોલ સર્જાયો.