રાજકોટમાં ગૃહકલેશનાં કારણે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ
લાઠીના દેરકી જાનબ ગામે દારૂ પીને ખેલ કરતા સસરાને જમાઈએ પતાવી દીધો
ભાવનગરમાં આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને સરા જાહેર રહેસી નાખી: વાહન ચોરીની શંકાએ ચાર શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
અબતક રાજકોટ
સૌરાષ્ટ્ર નવા વર્ષમાં જ રક્તરંજિત બન્યું છે. જેમાં રાજકોટ,ભાવનગર અને અમરેલીમાં ચાર મર્ડરના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં રાજકોટમાં ગૃહકલેશમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજા બનાવમાં ભાવનગરમાં બે ખૂનના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાહન ચોરી કર્યા હોવાની શંકાએ ચાર શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે. તો અન્ય બનાવમાં પણ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાયેલા બનાવ મુજબ પતિના આડા સંબંધની શંકાએ પતિએ તેણીને સરા જાહેર રહેસી નાખતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે તમામ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના થોરાળા વિસ્તારમાં ગંજીવાડામાં યુસુફ શામદારે પોતાની પત્ની જાયદાબેનને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે ચાલતા ગૃહકલેશમા યુસુફે જાયદાબેનના માથામાં હથોડીના ઘા ઝીંક્યા બાદ તેણીના ગળા પર ઠંડા કલેજે તણી ફેરવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ હત્યારા યુસુફે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હત્યારો યુસુફ શામદાર અગાઉ હત્યાની કોશિશમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. જાયદાબેનની હત્યાથી પરિવારમાં માતમ છવાયો છે.
તો અન્ય બનાવમાં ભાવનગર જિલ્લામાં બે ખૂનના બનાવ પોલીસ મથકે નોંધાયા છે. જેમાં ઘોઘારોડ પોલીસ મથકમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડે નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓના લગ્નના એકાદ માસ બાદ તેણીના સાસુ છાયાબેન રાજુભાઈ રાઠોડ પાસેથી મોબાઇલ ફોન મળી આવતા દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ મોબાઇલ વેલાભાઇ કાનાભાઈ ભરવાડે આપ્યો હોવાનું છાયાબેન દ્વારા જણાવતા દંપતી વચ્ચે ઝેર રેડાયું હતું. ત્યાર બાદ બંને પતિ – પત્ની અલગ રહેતા હતા. પરંતુ ગઇ કાલે છાયાબેન સાંજના સમયે ગાયત્રી સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે પતિ રાજુ અમરસંગ રાઠોડે વેલાભાઈ ભરવાડ સાથે અડ સંબંધની શંકાએ સરા જાહેર છરીના ઘા મારતાં તેણીનું મોત નિપજ્યું હતું. પોલીસે પતિ રાજુ રાઠોડ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
તો અન્ય બનાવમાં ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બે દિવસ પહેલા ક્રેસન્ટ સર્કલ પાસે એસબીઆઈના એટીએમ પાસે એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોય જેને પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથધરી હતી. જેમાં મૃતક ત્રાપજ ગામના વતની ભરતભાઈ ચૌહાણ હોવાનું સામે આવતા તેમના પરિવારજનોને જાણ કરી હતી. બીજી તરફ પીએમ રિપોર્ટમાં યુવાન ભરતભાઈ ચૌહાણની હત્યા થયાનું જાહેર થતા પોલીસે ઘટના સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં પોલીસે જોતા બે શખ્સો યુવાનને ઢસડીને લાવતા હોવાનું અને માર મારતા હોવાનું નજરે ચડતા પોલીસે અજાણ્યા શખ્સની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપીઓ માણેકવાડીમાં રહેતા રાજન બુધા આલગોતરા, કિરણ દિપક આલગોતરા, સંજય લાલા આલગોતરા અને યશ જેસંગ મેરને દબોચી લીધા હતા. આરોપીઓએ પોલીસને કબૂલાત આપતાં જણાવ્યું હતું કે ભરતભાઈ ચૌહાણ એક્ટિવા દોરાવિને લઈ જતો હોવાથી તેને વાહન અંગે પૂછતા તે ચોરીનું હોવાની શંકાએ માર મારતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ચારેય આરોપીને દબોચી લીધા હતા.
જ્યારે લાઠી તાલુકાના દેરકી- જાનબ ગામે રહેતા ભૂરીબેન પ્રતાપભાઈ ચૌહાણે નોંધાયેલી ફરિયાદ મુજબ બે દિવસ પહેલા સાંજના સમયે તેમના પતિ પ્રતાપ ચૌહાણ દારૂ પીને ખેલ કરતા હોય અને ભુરીબેન તથા પુત્રી મંજીલા અને જમાઈ સંજય પદમસિંગ જનીયા સાથે માથાકૂટ કરી માર મારતો હતો. જેનો ખાર રાખી જમાઈ સંજય જનીયાએ પોતાના સસુર પ્રતાપ ચૌહાણને માથાના ભાગે લાકડા વડે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે સંજય સામે ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.