અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના:
ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી ભીતિ: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનરાધાર ખાબકશે
ગુજરાત પર ચોમાસું પુરજોશમાં સક્રિય થઈ ગયું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત છતિસગઢમાં સર્જાયેલું લો-પ્રેશર સૌરાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી રહ્યું હોય આજે પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ૨૨મી જુલાઈ સુધી રાજયમાં વરસાદ અવિરત ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની શકયતા જણાઈ રહી છે. રાજયના નર્મદા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની શકયતા જણાઈ રહી છે.
આવતીકાલે પણ રાજયમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. કાલે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ગીર-સોમનાથ, જુનાગઢ તથા દીવમાં અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ૧૯મી જુલાઈના રોજ પણ ઉપરોકત તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦મી જુલાઈના રોજ પણ આ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ૨૧મી જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો છે.
જામનગર જિલ્લાનો પન્ના અને ઉંડ-૩ ડેમ ઓવરફલો: ૧૮ જળાશયોમાં ધીંગી આવક
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ જળાશયોમાં પણ નવા નીર: ભાદર સહિત ૪૮ જિલ્લાઓમાં પાણીની નોંધપાત્ર આવક
છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની અનરાધાર આવક થઈ રહી છે. ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાનો પન્ના અને ઉંડ-૩ ડેમ ઓવરફલો થઈ ગયા છે. જયારે જિલ્લાના ૧૮ જળાશયોમાં પાણીની ધીંગી આવક થવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ જળાશયોમાં નવા નીર આવ્યા છે તો રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકીના ૪૮ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના સસોઈમાં ૧૪.૯૯ ફુટ,પન્નામાં ૧૭.૬૮ ફુટ, ફુલઝર-૧માં ૨૦.૦૮ ફુટ, ફુલઝર-૨માં ૨૦.૫૧ ફુટ, વીજરખીમાં ૪.૨૦ ફુટ, ડાઈમેણસરમાં ૨૭.૧૩ ફુટ, ફોફળ-૨ ડેમમાં ૩.૯૪ ફુટ, ઉંડ-૩માં ૮.૮૬ ફુટ, આજી-૪માં ૦.૦૩ ફુટ, રંગમતીમાં ૫.૮૪ ફુટ, ઉંડ-૧માં ૫.૮૪ ફુટ, કંકાવટીમાં ૧૯.૭૮ ફુટ, ઉંડ-૨માં ૧૪.૭૬ ફુટ, વાડીસંગમાં ૧૮.૧૧ ફુટ, ફુલઝર (કોબા)માં ૪.૯૨ ફુટ, રૂપાવટીમાં ૨૦.૮૩ ફુટ, રૂપારેલમાં ૨.૩૦ ફુટ અને ઉમિયા ડેમમાં ૨૬.૨૧ ફુટ નવા નીરની આવક થવા પામી છે. જિલ્લાના પન્ના અને ઉંડ-૩ ડેમ ઓવરફલો થઈ ગયા છે.
આ ઉપરાંત ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના સાણી ડેમમાં ૧.૯૪ ફુટ, ઘીમાં ૨.૮૫ ફુટ, ગઢકીમાં ૨.૩૦ ફુટ, વર્તુ-૨માં ૮.૫૩ ફુટ, રંગમતીમાં ૧૬.૯૦ ફુટ, વેરાડી-૧માં ૨૩.૩૩ ફુટ, કાબારકામાં ૧૩.૪૨ ફુટ, વેરાડીમાં ૧૪.૭૬, મેણસારમાં ૩૩.૪૬ ફુટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૧માં ૦.૭૯ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૧.૨૮ ફુટ નવું પાણી આવ્યું છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં ૬.૭૬ ફુટ, મોજમાં ૨.૯૯ ફુટ, ફોફળમાં ૧.૫૧ ફુટ, વેણુ-૨માં ૯.૧૯ ફુટ, આજી-૧માં ૦.૧૩ ફુટ, આજી-૩માં ૫.૨૫ ફુટ, સોડવદરમાં ૧.૧૫ ફુટ, ગોંડલીમાં ૨.૧૩ ફુટ, વાછપરીમાં ૦.૨૩ ફુટ, ન્યારી-૧માં ૦.૪૯ ફુટ, ન્યારી-૨માં ૧.૪૮ ફુટ, ખોડાપીપરમાં ૦.૩૩ ફુટ, છાપરવાડી-૧માં ૦.૯૮ ફુટ, છાપરવાડી-૨માં ૧.૬૪ ફુટ, ઈશ્ર્વરીયામાં ૦.૯૮ ફુટ, કરમાળમાં ૦.૬૬ ફુટ અને કરણુકીમાં ૧.૯૭ ફુટ પાણીની આવક થવા પામી છે.