પોરબંદરનું 59.43 ટકા સૌથી ઓછું પરિણામ: રાજકોટના 843 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 4329 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો
સૌરાષ્ટ્રના 2315 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 14653 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યભરનું પરિણામ 64.62 ટકા આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું 67.78 ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો અવ્વલ રહ્યો છે. મોરબી જિલ્લાનું 75.43 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું 59.43 ટકા આવ્યું છે.
બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2315 જ્યારે એ-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 14653 રહી છે. જો કે ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આમ જોવા જઇએ તો ધોરણ-10નું પરિણામ છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષે આ વર્ષે એવરેજ રહેવા પામ્યું છે. આજે પરિણામ આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે આનંદનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા અને પરિણામની ઉજવણી કરી હતી અને રાસ-ગરબે પણ ઘૂમ્યા હતા.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલીનું 64.30 ટકા, ભાવનગરનું 69.70 ટકા, બોટાદનું 73.39 ટકા, દ્વારકાનું 67.29 ટકા, ગીર સોમનાથનું 62.1 ટકા, જામનગરનું 69.65 ટકા, જૂનાગઢનું 62.25 ટકા, મોરબીનું 75.43 ટકા, પોરબંદરનું 59.43 ટકા, રાજકોટનું 72.74 ટકા જ્યારે સુરેન્દ્રનગરનું 69.42 ટકા પરિણામ નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 53 શાળા
આજે ધોરણ-10નું પરિણામ સવારે 8:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા રાજકોટમાં 53 જેટલી નોંધાઇ છે. ગત વર્ષની સાપેક્ષે વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ઘટી છે. એકંદરે પરિણામ તો સારું રહ્યું છે પરંતુ ગત વર્ષની સાપેક્ષે થોડું ઓછું પરિણામ આવ્યું છે જોકે રાજકોટ જિલ્લાનાં પરિણામમાં કોઈ ખાસ્સો એવો તફાવત જોવા મળ્યો નથી. સારું પરિણામ આવતા મોટાભાગની શાળાઓમાં આજે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ જિલ્લામાં ઝીરો ટકાવાળી 13 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી 29 સ્કૂલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા જેટલું આવ્યું છે અને એ-1 ગ્રેડ 843 જ્યારે એ-2 ગ્રેડ 4329 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો રાજકોટમાં 13 સ્કૂલ એવી છે કે જેનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. જ્યારે 29 સ્કૂલો એવી છે કે જેનું પરિણામ 100 ટકા જેટલું આવ્યું છે.
બે-ત્રણ દિવસ પછી માર્કશીટ મળશે
મે મહિનાની શરૂઆત ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારથી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા. જેનો અંત આજે આવી ગયો છે. આજે ધોરણ-10નું રાજ્યનું 64.62 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-10માં કુલ 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જોયું હતું. બે થી ત્રણ દિવસ બાદ હવે વિદ્યાર્થીઓને શાળા મારફતે માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા સપ્તાહે આવવાની સંભાવના
મે મહિના પ્રારંભે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક પોતાના પરિણામની રાહ જોઇ રહ્યા હતા. જો કે આજે ધોરણ-10નું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું અને હવે આવતા સપ્તાહેના પ્રારંભે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય તેવી પ્રબળ સંભાવના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા
આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 64.62 ટકા પરિણામ આવતા ચોમેરથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તમામ વિદ્યાર્થીઓને લાખેણી શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ધોરણ-10 બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વ્હાલા વિદ્યાર્થી મિત્રો દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતીજ છૂપાયેલી હોય છે અને દરેક નિરાશામાં એક નવી આશા છૂપાયેલી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પરિવાર, શાળાઓનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું.