સુરત જીલ્લા સહકારી બેંકની ચેક બુકમાં ભાજપનું સુત્ર છપાતા ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગ બદલની ફરીયાદ કરાય
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’સુત્ર દ્વારા ભાજપે સત્તા કબજે કરી હતી. પરંતુ, આ સૂત્ર સુરતની એક સહકારી બેંક માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ૧૧૦ વર્ષ જુની સુરત જીલ્લા સહકારી બેન્કે તેની નવી ચેકબુકોમાં આ સૂત્ર છાપતા બેન્કના એક સભાસદે તે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગ અંગેની ફરીયાદ કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
રાજયમાં અમદાવાદ જીલ્લા સહકારી બેન્ક બાદ બીજા નંબર સૌથી મોટી બેન્ક સુરત જીલ્લા સહકારી બેન્કમાં શહેર અને જીલ્લાના નવ લાખ ખાતેદારો છે. અને બેન્કની ફીકસ ડીપોઝીટ પાંચ હજાર કરોડ રૂ ઉપરની છે. આ બેન્કના નવા બનેલા ગ્રીન હેડ કવાર્ટરનું તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું હતું. ૧૯૦૯ માં કાર્યરત આ બેન્ક દેશમાં ચાલતી ૩૭ અને રાજયમાં ચાલતી ૧૮ જીલ્લા બેન્કોમાં પ્રથમ બેન્ક છે ડાયમંડ સીટીનું બિરુદ પામેલા સુરતના મજુરો ગેટ ખાતે બેન્કનું હેડકવાર્ટર આવેલું છે.
આ બેન્કે તાજેતરમાં તેના હજારો ખાતેદારોને નવી ઇસ્યુ કરેલી ચેકબુકોમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. ચેક બુકમાં આ રાજકીય સુત્ર પ્રસિઘ્ધ કરવા બદલ બેન્કના ખાતેદાર અને સુરત જીલ્લા પંચાયતના અપક્ષ સભ્ય દર્શન નાયકે વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ બેન્ક કોઇ રાજકીય પાર્ટીની માલીકીની નથી. બેન્કના મેનેજમેન્ટમાં હાલ ભાજપી આગેવાનો મહત્વપૂર્ણ સ્થાનો પર હોય રાજકીય લાભ લેવા માટે બેન્કની ચેકબુકોમાં આ સૂત્ર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જે સામે મેં ચુંટણીપંચને આચાર સંહિતા ભંગ અંગેની ફરીયાદ કરીને બેન્કના ખાતેદારો પાસેથી રાજકીય લાભ લેવા માટે કૃત્ય કરાયાના દાવો કરાયો હતો.
ગુજરાત ખેડુત સમાજના ઉપપ્રમુખ જયેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સુરત જીલ્લા સહકારી બેંકએ ભાજપની માલીકીની બેન્ક નથી કે તેઓ ચેકબુક પર તેમના સૂત્ર લખી શકે. કાલે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહના ફોટા પણ ચેકબુકમાં મુકી શકે છે. જે અયોગ્ય છે. આ અંગે બેન્કના મેનેજીંગ ડિરેકટર ઇન્દ્રજીત મહીડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જેઓ લંડનના પ્રવાસે છે અને તેઓ સુરત આવ્યા બાદ આ અંગે તપાસ કરીને કાંઇ કહી શકશે.