વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ૧૦ કરોડ વૃક્ષ વાવવાનો સંકલ્પ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારતીય સંસ્કૃતિ અંગેનો સ્પષ્ટ મતઆપતાં જણાવ્યું હતું કે, સમગ્ર જીવસૃષ્ટિના સંરક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ સંકળાયેલી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પર્યાવરણના જતન, સંવર્ધન તથા સંરક્ષણ માટે રાજયભરમાં આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવાની નેમ વ્યકત કરી હતી, જેને ઉપસ્થિત જનસમુદાયે સહર્ષ વધાવી લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાણીને રીસાઈકલ કરવા, રીયુઝ કરવા તથા પાણીનો વપરાશ રીડયુસ કરવા પર ભાર મુકયો હતો અને રાજયભરની નદીઓના શુધ્ધિકરણ માટે રાજય સરકારે તબક્કાવાર લીધેલા પગલાંઓની વિગતો પણ રજુ કરી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજયમાં શિક્ષણના પ્રસાર તથા ઉત્તેજન માટે રાજય સરકાર તમામ પ્રકારનો સહકાર પુરો પાડશે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનસમુહ પાસે સ્ત્રી શિક્ષણનો વિશેષ આગ્રહ સેવ્યો હતો અને સમાજની તમામ દીકરીઓની પ્રગતિ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

સતવારા સમાજની લાક્ષણિકતાઓ રજુ કરીને મુખ્યમંત્રીએ ઉપસ્થિત સમાજના નાગરિકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રી વિજયભાઇએ સતવારા સમાજને મહેનતુ, પ્રામાણિક અને પરોપકારી ગણાવી આજે લોકાર્પિત કરાયેલા સમાજોપયોગી બિલ્ડીંગના નિર્માણ બદલ સમગ્ર સતવારા સમાજનો રાજય સરકાર વતી ઋણ સ્વીકાર કર્યો હતો અને આ બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવાનો મોકો મળ્યો, તે બદલ ખુશાલી વ્યકત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સુકકા વિસ્તારોમાં નર્મદાનીર પહોંચાડી સમગ્ર વિસ્તારને નવપલ્લવિત કરવાની રાજય સરકારની પ્રપ્તિબધ્ધતા મુખ્યમંત્રી રૂપાણીએ આ તકે દોહરાવી હતી અને રાજયભરમાં અમલી બનાવાયેલી જળસંચય તથા જળવિતરણની વિવિધ યોજનાઓની ટુંકી વિગતો તેમના વકતવ્યમાં વણી લીધી હતી.

મુખ્યમંત્રીએ સભાસ્થળે આવ્યા બાદ મુખ્યમંત્રીનું અભિવાદન કરવા ભરતડકે રસ્તે ઉભેલા નાગરિકોના ખબરઅંતર પુછી તેમના ઋજુ સ્વભાવનો આછેરો પરિચય આપ્યો હતો. વિતરાગ દર્શન ઉપાશ્રય ખાતે મુખ્યમંત્રી વિજયભાઈએ મહાસતીજીની શાતા પુછી હતી અને તેમની પાસેથી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૨.૫ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર ખાતે ૨૦૦૦ ચોરસ વાર જમીનમાં નિર્માણ પામેલી સતવારા સમાજની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું. તથા બિલ્ડીંગના પ્રાંગણમાં તકતી અનાવરણ અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ હોસ્ટેલમાં  ૧૦૦ દીકરીઓ અને ૨૦૦ દીકરાઓના સમાવેશની ક્ષમતા છે. મુખ્યમંત્રી આ પ્રસંગે યોજાયેલા યજ્ઞ સમારોહમાં પણ વિધિપૂર્વક સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.