દરેક વ્યકિતની પ્રકૃતિ અલગ અલગ જે જીવન દરમ્યાન કયારેય બદલાતી નથી
આપણે સામાન્ય ભાષામાં જેને તાસીર કે કોઠો કહીએ છીએ તેજ આપણી પ્રકૃતિ છે. લોકોની અલગ અલગ પ્રકૃતિ અંગે માહિતી આપતા ડો. અર્ચનાબેન પીઠડીયા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે દરેક વ્યકિત દેખાવમાં અલગ હોય છે. જેમકે રંગ, ઉંચાઈ, આંખો, વાળ હેલ્થ સ્ટ્રકચર વગેરે પણ આ તો વાત થઈ શારિરીક પ્રકૃતિની પરંતુ લોકોનો સ્વભાવ, ગુસ્સો, પસંદ-ના પસંદ, વગેરે પણ અલગ અલગ હોય છે. જેને માનસિક પ્રકૃતિ કહે છે.
ઉદાહરણ તરીકે જોડીયા બાળકો સરખા દેખાતા હોય પણ તેમનો સ્વભાવ પસંદ-ના પસંદ વગેરે અલગ અલગ હોય છે. દરેક લોકોને આવી રીતેઅલગ પાડતી એ પ્રકૃતિ છે.
વધુમાં ડો. પીઠડીયા જણાવે છેકે, ગર્ભનું નિર્માણ થાય ત્યારે જ પ્રકૃતિનું નિર્માણ થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન માતાના આહાર વિહારથી બાળકની પ્રકૃતિ નિર્મિત થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન માતાની લાઈફ સ્ટાઈલ, ખાન-પાનનો પ્રભાવ પ્રકૃતિ રૂપે બાળક પર પડે છે. આયુર્વેદમાં કીધું જ છે કે બાળકની ઉતમ પ્રકૃતિ બને તેમાટે માતાએ સારો ખોરાક, વિહાર-વર્તન હોવું જોઈએ તો જ સારી સંતતી પ્રાપ્ત થાય.
બાળકની પ્રકૃતિ ગર્ભ દરમ્યાન જ બનતી હોય જે જીવન દરમ્યાન કયારેય બદલાલતી નથી.
પ્રકૃતિના પ્રકાર અંગે ડો. અર્ચના પીઠડીયા જણાવે છે કે પ્રકૃતિના મુખ્ય બે પ્રકાર છે. શારિરીક અને માનસિક, શારિરીક પ્રકૃતિ ત્રિદોષોથી બનેલી છે. દૈનિક પ્રકૃતિમાં પ્રધાન પ્રકૃતિ વાત, પિત્ત અને શ્ર્લેષ પ્રકૃતિનાં સંયોજનથી શારીરિક પ્રકૃતિ બને છે. પિત ઉષ્ણ ગુણાત્મક જયારે કફ શીત ગુણાત્મક પ્રકૃતિ છે. સારામાં સારી પ્રકૃતિ સમપ્રકૃતિ છે. જયારે માનસિક પ્રકૃતિ ત્રિગુણથી બનેલી છે. સત્વ, રજ અને તમ, સત્વ એટલે જ્ઞાન કરાવવું, રજ એટલે ચેષ્ટા કરાવવી, તમનું કામ નિયમન કરવું. ત્રણેય ગુણનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે.
સત્વ ગુણી વ્યકિતને નિંદ્રા ઓછી આવે છે. માણસમાં સાત્વિક પ્રકૃતિ સર્વશ્રેષ્ઠ છે. આપણા પુર્વજો, રૂષિમૂનિઓ સાત્વિક પ્રકૃત્તિ ધરાવતા હતા. આ પ્રકૃતિના લોકો સાચુબોલે છે. ક્ષમા આપે છે. વિવેદી-સંતોષી છે. રાજસીક પ્રકૃતિ એટલે મુવમેન્ટ આ પ્રકૃતિની વ્યકિત કોમ્પિટીરર હોય છે. જે હાર સહન કરી શકતા નથી તેમજ પોતાને જોઈતું મેળવીને જ જંપે છે. મહત્વકાંક્ષી પણ હોય છે. ઈર્ષ્યા, દ્વેષ, લોભનો ગુણ પણ જોવા મળે છે. તામસિક પ્રકૃત્તિની વ્યકિત આળસુ હોય છે. સુવુ અને ખાવું એ મુખ્ય ગુણ છે. આ પ્રકૃતિની વ્યકિત પોતાની ઈન્દ્રિયોને કંટ્રોલ કરી શકતી નથી. ઉપરાંત ખાવા-પીવાની ઈચ્છા રોકી શકતી નથી.
વધુમાં ડો. પીઠડીયા જણાવે છે કે, પ્રકૃતિ ઘણા બધા ફેકટર પર આધારિત હોય છે. દેશઅનુપાતિ જેમાં વ્યકિત જયાં રહે છે. તે વિસ્તારનો પ્રભાવ પડે છે. કાળ જેમાં ઋતુ અનુસાર આહાર- વિહાર પ્રભાવ પાડે છે. આ ઉપરાંત એઈઝ એટલે કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા બાળકોમાં કફ વધુ જોવા મળે છે. વાયરલ ઈનફેકશનનો ભોગ વધુ બને છે. આ ઉપરાંત યુવા વસ્થામાં પિતનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે પાચનશકિત સારી હોય છે. પરંતુ એસીડીટી વગેરે જેવા દર્દોથી પીડાવું પડે છે. તો વૃધ્ધાવસ્થામાં વાત વધુ હોય છે. મોટી ઉંમરે સાંધા, કમરનો દુ:ખાવો નબળી પાચનશકિત અસ્થમાની સમસ્યા વગેરે વધુ રહે છે. અંતમાં હેલ્થ ટીપ્સ આપતા ડો. અર્ચના પીઠડીયા જણાવે છે કે જો આપણે જેટલી પારંપારિક પધ્ધતિઓ અપનાવીશું તેટલી રોજીંદા જીવનમાં આવતી સમસ્યાઓથી દૂર રહી શકીશું.