મેં તો રસ્તે સે જા રહા થા, ભેલપુરી ખા રહા થા….
આધુનિક યુગમાં માણસની બદલાતી જીવનશૈલી બની શકે છે માણસના શરીર અને સ્વાસ્થ્ય માટે મોટુ જોખમ
પ્રાચીનકાળથી લઇ આજસુધી માણસ પોતાની રહેણીકરણી, પહેરવેશ જેવી અનેક વસ્તુઓમાં બદલાવ કરતો આવ્યો છે. સમય સાથે બદલવુંએ ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યાં સુધી તે ફાયદાકારક હોય ત્યાં સુધી માણસે બદલતા સમય સાથે પોતાના ખોરાક અને જીવન જીવવાની પધ્ધતિમાં અનેક ફેરફાર કરી દીધા છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થયા છે.
ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની ભાગદોડમાં લોકો પાસે જે શરીર અને સ્વાસ્થ્યરૂપે જે અમૂલ્ય ધરોહર છે તેની અવગણના કરવા લાગ્યા છીએ. જેવી રીતે કોઇ વાહનને લાંબુ ટકાવવા સારા પેટ્રોલ અને સમયસર સર્વિસની જરૂર પડે છે તેવી જ રીતે શરીરને પણ લાંબુ ચલાવવા સારા ખોરાક અને નિયમિત કસરતની જરૂર હોય છે.
પરંતુ અત્યારે લોકો જૂની ખોરાક પધ્ધતિ, જીવનશૈલી, ઔષધીઓને ભૂલી તામસિકતા અને અસ્વસ્થ જીવન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. આ અંગે ‘અબતકે’ નિષ્ણાંતો સાથે ખાસ વાતચીત કરી હતી તો જાણીએ તે લોકોએ શું અભિપ્રાય આપ્યો.
1 કિલો વજન સામે 1 ગ્રામ પ્રોટીન, જીમમાં જતા હોય તો 2 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી : હિરેન સીદપરા (વેલનેસ કોચ)
‘ડાયટ’ એટલે પોષણયુક્ત આહાર દ્વારા દિવસમાં 5 વખત ખાયને શરીરને તંદુરસ્ત રાખવું. પોષણયુક્ત આહારમાં આપણે સવારે નાસ્તામાં કોઇપણ ફળ લઇ શકીએ. 3 કલાક પછી પાછું દાળિયા, મગફળી અથવા બાફેલા કઠોળ લેવા, બપોર ઘરનું બનાવેલ ભોજન લેવું. ફરી સાંજે હળવો આહાર એટલે સૂપ, કઠોળ, શીંગ-દાળીયા લઇ શકીએ, પછી રાત્રે ઘરનું પોષણયુક્ત ખોરાક લેવો હિતાવહ છે. પોષણયુક્ત આહાર વાળી થાળીમાં 80% પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ એટલે કે દાળ, છાશ, સલાડ, ગોળનું પ્રમાણ વધારે રાખવું અને 20% કાર્બોહાઇડ્રેટ એટલે કે શાક-રોટલી લેવા. સ્નાયુઓને મજબૂત રાખવા માણસે પોતાના વજનના 1 કિલો સામે 1 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે. જ્યારે જીમ કરતા હોય તો 1 કિલો સામે 2 ગ્રામ પ્રોટીન લેવું આવશ્યક છે. જે આપણને દાળ, છાશ, ગોળ, ચણા, દાળિયા, મગફળી અને ફળોમાંથી મળે છે.
“જેવું અન્ન તેવું મન, જેવો તમારો ખોરાક તેવા તમારા વિચારો” ડો. કેતન ભીમાણી (આયુર્વેદ તબીબ)
આયુર્વેદ અનુસાર દિવસમાં 3 વાર ખોરાક લેવો જોઇએ અને તેમાં પણ ભૂખ કરતા ઓછુ એટલે પા ભાગનું જમવું જોઇએ. આપણે જ્યારે કપડા પહેરીએ છીએ ત્યારે બહારના વાતાવરણનો વિચાર કરતા હોય તેવી જ રીતે ખોરાક પણ સમય અને વાતાવરણ અનૂકૂળ લેવો જોઇએ. શિયાળામાં ઠંડો, ચીકાશવાળો ખોરાક ન લેવો જોઇએ, ઉનાળામાં તીખા ખોરાક ઓછા લેવા અને પાણી પુષ્કળ પીવુ અને ચોમાસામાં વાયુવાળા ખોરાન ક લેવા. વિરૂધ્ધ આહાર વિશે વાત કરીએ તો તે ચામડીના રોગને આમંત્રણ આપે છે જેમ કે ફ્રૂટ સલાડ જેમાં બધા ફ્રૂટ ભેગા થાય છે અને ઉ5રથી આપણે દૂધ ભેળવી છીએ તેના કારણે ઘચરકો થવાની શક્યતા છે.
શાસ્ત્રમાં આપણું સૂત્ર છે ‘જેવુ અન્ન તેવું મન” તેથી તાનસીક આહાર ન લેવો અને એકચિત્તે પુરૂં ધ્યાન લગાવીને જમવુ જોઇએ. આયુર્વેદમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. ઉપવાસમાં ફળ આહાર અને રસાહાર કરતો ઉત્તમ ગણાય છે. વર્ષ દરમિયાન આવતી ભારે તીથીમાં ઉપવાસ કરવો જોઇએ જેમ કે અગીયારસ, શ્રાવણ માસ વગેરે માસમાં ઉપવાસ કરવાથી કેન્સર જેવી મોટી બિમારી પણ દૂર થઇ શકે છે.
“ખોરાકને પાચન થતાં 18 કલાક થાય છે, તેથી દિવસમાં એક જ વાર જમવું” : ડો.હરેશ વ્યાસ (નેચરોપેથી નિષ્ણાંત)
અત્યારે લોકો એવું માને છે કે ખોરાક 5 કલાકમાં પચી જાય છે પરંતુ મેડીકલ સાયન્સ અનુસાર 5 કલાક ખોરાક જઠ્ઠરમાં રહે છે પછી મોટુ આંતરડુ-નાનું આંતરડુ આમ કરતા 18 કલાકે પાચન થાય છે અને તેમાંથી પોષકતત્વો બને છે. તેથી દિવસમાં 1 વખત જમવું જોઇએ અને જો એ શક્ય ન હોય તો ખોરાકના પાચન માટે પુરતુ પરિશ્રમ કરવો જરૂરી છે. નેચરોપેથી પ્રમાણે ઉપવાસ એટલે આકાશ તત્વનું જોડાણ જેમાં પેટમાં પાચન થવાનો અવકાશ મળે છે એટલે જગ્યા મળે છે. ઉપવાસમાં હૂંફાળુ પાણી પીવું, રસાહાર કરવો અને ફળ આહાર કરવો હિતાવહ છે. બજારમાં મળતી ફરાળી વાનગીઓ લેવાથી ઉપવાસનું મહત્વ નથી રહેતું. નેચરોપેથીમાં આહાર એ જ નિદાન છે. કોઇપણ રોગનું નિદાન ઉપવાસ કરવાથી થાય છે. ખોરાક બંધ કરી 2 દિવસ ફક્ત પાણી અથવા રસાહાર લેવાથી રોગો દૂર થાય છે.
“આહાર, વિહાર અને વિચાર પણ નિયંત્રણ રાખવાથી માણસ 100થી 125 વર્ષ જીવી શકે છે” : ડો. રાજેશ તેલી (એમ.ડી.)
વર્તમાન જીવનશૈલી ટૂંકા આયુષ્ય અને વિવિધ રોગોને આમંત્રણ આપે છે, લોકો નાનપણથી તામસી આહાર લેવા લાગ્ય છે. રોજ સવારે કંદોઇની દુકાન પર લાંબી લાઇનો લાગી છે પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે એ ગાંઠીયા કેવા તેલમાંથી બને છે ? એક જ તેલમાંથી આખો દિવસ બનતા ગાંઠીયા તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે જરા વિચારજો ? વિહારમાં વધતી જતી વાહન સુવિધાથી લોકોમાં પરિશ્રમ ઘટતો ગયો છે. લાંબા આયુષ્ય અને શરીરની ચુસ્તી માટે કસરત કરવી ખૂબ અગત્યનું છે. સ્વસ્થ જીવન જીવવા માટે 4 વખત ચોક્કસ સમયાંતરે ખોરાક લેવો જોઇએ. જેથી માણસ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે. વિહાર એટલે આપણા વિચાર-ભોજન સમયે આપણા
મગજ ચાલતા વિચારો આપણા વ્યક્તિત્વ સાથે જોડાય જાય છે. તેથી સકારાત્મક વિચારો અને એકચિત્તે ભોજન લેવું જોઇએ. આવી જ રીતે આહાર, વિચાર અને વિહાર પર નિયંત્રણ રાખવાથી માણસ 100 થી 125 વર્ષ સુધી જીવી શકે છે.
“આપણી ત્વચા એ આપણા શરીરનું દર્પણ છે” : ડો.પ્રિયંકા સુતરિયા (ડર્મોટોલોજીસ્ટ)
આપણે જેવો ખોરાક લઇએ છીએ તે આપણી ત્વચા પર દેખાઇ છે અથવા તેમ કહી શકીએ આપણી ત્વચાએ આપણા શરીરનું પ્રતિબિંબ કે દર્પણ છે. પોષણયુક્ત ખોરાક લેવાથી આપણી ત્વચા ભેજયુક્ત અને ચમકવાળી રહે છે. ફૂડ એર્લજીની સમસ્યા યુવાનોમાં વધુ જોવા મળે છે. જેનું કારણ છે. ખોરાકની ખોટી પધ્ધતિ અને વધુ પડતી સમસ્યા દૂધના ઉત્પાદકો દ્વારા થતી હોય છે. દિવસ દરમિયાન 200 મીલીથી વધારે દૂધ લેવાથી આવી સમસ્યા ઉદ્ભવે છે. વાલીઓને એ ખાસ ધ્યાન રાખવું જોઇએ નાના બાળાઓને વધુ પ્રમાણમાં દૂધ ન દેવું જોઇએ. અત્યારે આપણે પેકેડ ફૂડ વધુ આરોગવા લાગ્યા છીએ જેમાં ઘણી બધી દવાઓ અથવા પ્રિઝર્વેટિવ્સ દ્વારા તૈયાર થાય છે
જે લેવાથી આપણી ત્વચા બગડે છે. સફેદ ડાઘ થવા, ખીલ-ફોલ્લીઓ, લાલડાઘ થવા આ બધુ આવા ખોરાક લેવાનો પરિણામ છે. 12-15 વર્ષ સુધી બાળકોને કેલ્શિયમયુક્ત અને આર્યનયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. તેથી વાલીઓની એ જવાબદારી બને કે નાના બાળકોને બહારના તૈયાર ખોરાકથી દૂર રાખે અને પોષણયુક્ત આહાર આપે.