સટ્ટાબજાર મતાનુસાર સત્તા ભાજપની પણ બહુમતી રહેશે પાતળી
ભાજપને ૧૧૫+ બેઠકોનો ભાવ સવા બે રૂપિયા, જયારે કોંગ્રેસની ૭૫+ બેઠકોનો ભાવ સવા બે રૂપિયા
હાલ ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિકેટની જેમ રાજકારણમાં પણ સટ્ટાનું વાતાવરણ ગરમાયું છે. વાત એવી પણ સામે આવી રહી છે કે ઉમેદવારોના નામની ઘોષણા થયા બાદ ભાવમાં ઉતાર-ચડાવ આવી શકશે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમાં પ્રથમ તબકકાની ચૂંટણી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાશે. જયારે બીજા તબકકાની ચૂંટણી તા.૧૪ ડિસેમ્બરના રોજ તથા તા.૧૮ના રોજ પરીણામ જાહેર થશે. ત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ભાજપને સત્તા તો મળશે પરંતુ બહુમતીની રેખા ખુબ જ પાતળી રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો સર્વેની વાત કરીએ તો ભાજપને ગુજરાતમાં મહદઅંશે વાંધો નહીં આવે જયારે સૌરાષ્ટ્રમાં મોદી મેજીક રહેશે, પરંતુ ૨૦૧૨માં ૧૧૭ સીટ જે ભાજપને મળી હતી તેને પાર કરવા ભાજપ પક્ષે ખૂબ જ મહેનત કરવી પડશે અને ખૂબ જ મથવું પડશે. કારણકે આ વખતની ચૂંટણીનાં સમીકરણો ખૂબ જ બદલાઈ ગયા છે. જેને લઈ ખુદ ભાજપનાં કહેવાતા ગબ્બર એટલે નરેન્દ્ર મોદી અને શહેનશાહ કહેવાતા અમીત શાહ ગુજરાતમાં ધામા નાખશે અને બહુમતી મેળવવાની કોશિષ પૂર્ણ રૂપથી કરશે એટલે માની શકાય કે ભાજપે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવવું જ પડશે તો જ સટ્ટાબજાર તરફથી મળતી વિગતો કે ભાજપને ૧૧૫+ બેઠકો મળી શકશે તોજ પૂર્ણ થઈ શકશે.
હવે વાત કરીએ સટ્ટાબજારની તો હાલ જો સટ્ટાબજારના ભાવ પર મીટ માંડવામાં આવે, તો જો ભાજપની ૧૧૫+ બેઠકો માટે ૧ રૂપિયાની સામે સવા બે રૂપિયો ભાવ ખૂલ્યો છે. જયારે ૯૫ બેઠકો માટે ૧ રૂપિયો સામે ૦.૩૨ પૈસા ભાવ આપવામાં આવ્યો છે. આવી જ રીતે જો કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો ૭૫ બેઠકને પાર કરે તો ૧ રૂપિયા સામે સવા બે રૂપિયો ભાવ મૂકવામાં આવ્યો છે. જયારે સૌ જાણીએ છીએ કે, વિધાનસભાની ચૂંટણી બસ હાથ વેંતમાં જ છે ત્યારે એવી પણ વાત સર્વેમાં સામે આવી રહી છે કે ભાજપનું પલડુ ભારી રહેશે કે પછી કોંગ્રેસનું ? આ જ મુદ્દાને લઈ સટ્ટાબજાર ગરમાઈ છે. પક્ષો દ્વારા જયારે ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે પણ ભાવમાં વધારો ઘટાડો જોવા મળી શકે તેમ છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૨૫ હજાર કરોડનો સટ્ટો ખેલાશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. સટ્ટાબજાર મોદી મેજીક પર મીટ માંડીને બેઠુ છે કારણકે ખૂદ ગબ્બર એટલે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ૫૦ જાહેરસભા સંબોધશે. જેમાં સૌરાષ્ટ્રમાં ૧૧ સભા સંબોધશે. હાલ પાટીદાર ફેકટર જે રીતે ભાજપ વિરુઘ્ધ ચાલી રહ્યું છે તેને જોતા સૌરાષ્ટ્રમાં કયાંકને કયાંક ભાજપને સીટનો ઘટાડો થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્રમાં મોદી મેજીક છવાશે તે વાત સાચી છે પરંતુ આખા ગુજરાતમાં ભાજપની મળનારી બહુમતીની રેખા ખૂબ જ પાતળી રહેશે. ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ પક્ષ પોતાના ટ્રમ્પ કાર્ડ સમા નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતમાં ઉતારશે. કારણકે ગબ્બર અને શહેનશાહ માટે ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોવાથી તેમને વિજય માટે ખાસ સમસ્યા નહીં સર્જાય.
ભાજપ પક્ષ માટે ચૂંટણી લડવા માટે અનેકવિધ મુદ્દાઓ છે, જેને લઈ તે પ્રજા સામે ભાજપ પક્ષ આવશે ત્યારે કોંગ્રેસ પાસે જે મુદો અનામતનો છે તેનાથી તેમને કોઈ નકકર ફાયદો થાય તેવું નથી. ત્યારે નરેન્દ્ર મોદીની જે સભાઓ યોજાશે તેમાં અનેકવિધ વિકાસનાં મુદે ચર્ચા થશે. ત્યારે જેમ ઉમેદવારોમાં પણ વાતાવરણ ગરમાયું છે તેવી જ રીતે સટ્ટાબજારમાં પણ વાતાવરણ પૂર્ણરૂપથી ગરમાયું છે. સટ્ટાબજાર દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપને ૯૫ થી ૧૧૫ બેઠકો વચ્ચે બેઠક મળશે. જયારે કોંગ્રેસની હાલત કફોડી થાય તેવી પણ સંભાવના છે ત્યારે આ વખતની ચૂંટણી કાંટે કી ટક્કર જેવી રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે ૨૦૧૨માં યોજાઈ હતી તેની સરખામણીએ આ વખતે કોંગ્રેસનો દેખાવ સારો રહેશે. ૨૦૧૨માં ભાજપને ૪૮ ટકા મત મળ્યા હતા જયારે કોંગ્રેસને ૩૯ ટકા મત મળ્યા હતા ત્યારે આ વખતે ભાજપના મતની સરેરાશ ઘટીને ૪૪ ટકા થઈ શકે છે.
સામાન્ય રીતે ૪૫-૫૦ ટકા મુસ્લિમો ભાજપને મત આપતા હોય છે અને આ વખતની ચૂંટણીમાં પણ આજ ટ્રેન્ડ ચાલુ રહેશે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો ભાજપની સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે પણ ચૂંટણી નજીક આવતા ભાજપ ફાવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. ત્યારે જેમ વાત કરી કે આ વખતની ચૂંટણી અને મુદ્દે લડાશે જેમ કે નોટબંધી અને જીએસટી જયારે ભાજપ આ મુદે પ્રજા સમક્ષ કેવી રીતે સામે આવશે તે પણ જોવાનું રહ્યું. લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે અને જીએસટી તથા નોટબંધીના મુદાને લઈ વિપક્ષ ખુબ જ આક્ષેપો કરી રહી છે. જેને લઈ હાલ ભાજપ પક્ષની સ્થિતિ ખૂબ જ સામાન્ય વર્તાઈ રહી છે.
ત્યારે આવનારી ચૂંટણીમાં ભાજપ પક્ષ કઈ રીતે આ મુશ્કેલીને પાર પાડશે તે જોવાનું રહ્યું ત્યારે કહી શકાય કે સટ્ટાબજારોમાં પણ ભાવ ઉંચા-નીચા થતા હોય છે.
જયારે ચૂંટણી યોજાશે બે તબકકામાં ત્યારે પણ ભાવમાં મતમતાંતર થવાની શકયતા છે અને પરિણામ સમયે પણ ભાવમાં વધ-ઘટ થવાની શકયતા વર્તાઈ રહી છે તો જોવાનું એ રહ્યું કે હાલનાં સમીકરણો અનેકવિધ રીતે બદલાઈ રહ્યા છે ત્યારે ખરાઅર્થમાં વિજય કોનો થાશે ? તે જોવાનું રહ્યું.
રાજકારણમાં કંઈ પણ કહેવું અશકય છે ત્યારે આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ નીવડશે. જેમ બુકીઓનું કહેવું છે કે ભાજપને ૯૫ થી ૧૧૫ બેઠકો મળશે તો જે ૧૫૦+ નો લક્ષ્યાંક જે રાખવામાં આવ્યો છે તેને કઈ રીતે ભાજપ પક્ષ સાર્થક કરે છે તે જોવાનું રહ્યું. હાલ જો ભાજપને ૧૧૫+ બેઠકો મળે તો ૧ રૂપિયા સામે સવા બે રૂપિયા ભાવ નકકી કરવામાં આવ્યો છે.
જે સમયાંતરે બદલી શકે છે. કારણકે હાલની સ્થિતિ જોતા તમામ પરિબળો અસ્થિર નજરે પડે છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ સુધારવા ભાજપ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે.
જેથી ચૂંટણીમાં ભાજપને કોઈ પણ રીતે તકલીફ ન પડે અને ભાજપે જે આશા સેવી છે તે ખરાઅર્થમાં પૂર્ણ થઈ શકે પરંતુ તા.૧૮ ડિસેમ્બરના રોજ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.