ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા.૨૧-૭ ૨૦૨૦ મંગળવાર શ્રાવણ માસ પ્રારંભે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે લોકડાઉનને કારણે ઓન-લાઇન જ્ઞાનસત્ર-૪૪શરુ થયેલ છે.
જેમાં ભગવાન સ્વામિનારાયણના લીલાચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથા પારાયણ રાખવામાં આવેલ. જેના વ્યાસ પદે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી રહેલ છે.
કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪-૩૦ થી ૬-૦૦ સુધીનો રાખેલ છે. દરરોજ સાંજે ૭-૩૦ થી ૯-૦૦ સુધી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી સત્સંગિજીવન પ્રકરણ ૩ની કથા સંભળાવી રહ્યા છે.
જ્ઞાનસત્રના પ્રથમ દિવસે સવારે ૯ થી ૧૨ અખંડ ધૂન રાખવામાં આવી હતી. સાજે ૪ કલાકે ગુરુુકુલના પરિસરમાંજ ઠાકોરજી અને ગ્રન્થની પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ફકત સ્થાનિક સંતો જ જોડાયા હતા.
કથાની શરુઆતે પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી તેતાલીસ વર્ષ પૂર્વે મેમનગર ગુરુકુલમાં પૂ.શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની સાનિધ્યમાં, કાશીથી અભ્યાસ કરીને આવેલ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે પ્રથમ જ્ઞાનસત્રની શરુઆત થઇ હતી.
આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ સત્સંગીજીવન ગ્રન્થનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, આ ગ્રન્થ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ ગ્રન્થ છે. જેના લેખક ભગવાનનો હૃદગત અભિપ્રાય જાણનારા શતાનંદ મુનિ છે. ગ્રન્થના લેખન બાદ ભગવાન સ્વામિનારાયણે તે ગ્રન્થ વાંચી સાંભળીને પ્રશંસા કરી છે.