અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. 9 માર્ચે દિલ્હીમાં બિજવાસનના ફાર્મહાઉસમાં હોળી રમ્યા બાદ સતીશ કૌશિકની રાતે 11 વાગ્યે તબીયત લથડી અને પછી તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું. તપાસ દરમિયાન પોલીસને આ ફાર્મહાઉસથી કેટલીક વાંધાજનક દવાઓના પેકેટ મળ્યાં છે. ફાર્મહાઉસ સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂનું છે.

પોલીસ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે ફાર્મહાઉસથી મળી આવેલ વાંધાજનક દવાઓના પેકેટ કોના હતા? કોણે તે વાપર્યા? તેને સતીશ કૌશિક સાથે કોઈ લેવા દેવા છે કે નહીં? એ તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે એ પણ શોધી રહી છે કે વિકાસ માલૂ સામે વર્ષો જૂનો એક દુષ્કર્મનો કેસ હતો. આ કેસ ક્યાં અને ક્યારે નોંધાયો હતો. આ ઉપરાંત હોળીના દિવસે ફાર્મહાઉસમાં જે મહેમાનો આવ્યા હતા તેમની પણ યાદી તૈયાર કરાઈ રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમમાં કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી તપાસમાં કંઈપણ શંકાસ્પદ સામે આવ્યું નથી.  પાર્ટીમાં 15 થી 20 લોકો સામેલ થયા હતા.  દિલ્હી પોલીસે પાર્ટીમાં સામેલ તમામ મહેમાનોની યાદી તૈયાર કરી છે અને તેમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ફાર્મ હાઉસમાં શું થયું તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.  અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સતીશ કૌશિક ફાર્મહાઉસના પહેલા માળે રોકાયા હતા અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

તેઓના જણાવ્યા મુજબ પોલીસને તેના રૂમમાંથી પેટ સાફ કરવાની દવા પેટ સાફા મળી આવી છે.  આ મામલે કપાસેરા પોલીસ સ્ટેશને કુદરતી મોતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફાર્મ હાઉસ અને તેની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ ફાર્મ હાઉસના માલિકની પણ પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ જગતમાં ’કેલેન્ડર’ના નામથી પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, નિર્દેશક, હાસ્ય કલાકાર અને પટકથા લેખક સતીશ કૌશિકનું ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં 8 માર્ચે  મોડી રાત્રે અવસાન થયું હતું.  66 વર્ષીય સતીશ કૌશિકના મૃતદેહનું દિલ્હીની દીન દયાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.  તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, જોકે ફોર્ટિસના ડોકટરોને તેની શંકા હતી, જેના કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.