સૂર્ય શકિતથી ચાલતા ટ્રાન્સમીટર લગાવવાથી યાયાવર પક્ષીઓના સ્થળાંતરની વિગત, વસવાટ સ્થાન, તેની પસંદગી, વ્યાપ વિસ્તાર, પ્રજનન સાથે જોડાયેલી અનેક માહીતી મેળવી શકાય છે
ગુજરાત પક્ષી પ્રજાતિ માટે ભવ્ય વિવિધતા ધરાવતો પ્રદેશ છે. જે ગુજરાતમાં જોવા મળતી 609 પ્રજાતિ દ્વારા પ્રતિબિબિંત થાય છે. ગુજરાત 19 ઇમ્પોર્ટેન્ટ બર્ડ એરિયા આવેલ છે. જે યાયાવર પક્ષીઓની પ્રજાતિઓ માટે સુરક્ષિત રહેઠાણ તરીકે ગુજરાતનું મહત્વ દર્શાવે છે.સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો ખાસ કરીને શિકારી પક્ષીઓ માટે મહત્વપૂર્ણ નિવાસસ્થાનો ધરાવે છે. શિકારી પક્ષીઓ (રેપ્ટર્સ) ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિયાળાની ઋતુ દરમિયાન હેરિયર્સની ભાવનગરના ભાલ વિસ્તારમાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી નોંધાયેલી છે. જો કે વિવિધ સંશોધનો દર્શાવે છે કે, શિકારી પક્ષીઓ વસ્તી તેમના સમગ્ર વિચરણના ધટાડાનો સામનો કરી રહી છે.શિકારી પક્ષીઓની વસ્તીમાં થઇ રહેલા તીવ્ર ધટાડાને અને ભવિષ્યમાં તેની સંરક્ષણની બાબતોને ધ્યાનમાં રાખી વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર દ્વારા શિકારી પક્ષીઓ પૈકી ઇગલ અને હ.રિયરની ઇકોલોજીને સમજવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ પક્ષીઓને ટેગ લગાવવા બાબતનો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ હતો.
આ બાબતે સક્ષ્મ સત્તાધિકારી પાસેથી મંજૂરી મળતા ટેગીંગ ટીમ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ચોકસાઇ અને ઉડાંણપૂર્વક સર્વે હાથ ધરવામાં આવેલ હતો. ત્યારબાદ અનુભવી અને કુશળ ટ્રેપર્સની મદદથી પસંદ કરવામાં આવેલ શિકારી પક્ષીઓને પકડવામાં આવેલ હતા. શિકારી પક્ષીઓને સુયોગ્ય હોય તેવા સૂર્યશક્તિથી ચાલતા ટ્રાન્સમીટર લગાવવામાં આવેલ હતા. ટેગીંગ કાર્ય દરમિયાન સુરક્ષા અને યોગ્ય પદ્ધતિનું પાલન કરવામાં આવેલ હતું. આજ સુધી કુલ ત્રણ ઇગલ પક્ષી ગ્રેટર સ્પોટેડ ઇગલ , ઇન્ડિયન સ્પોટેડ ઇગલ ), ટાવની ઇગલ , અને એક નર પેલિડ હેરિયરને ટેગ લગાવવામાં આવેલ છે.આ વૈજ્ઞાનિક અદ્યયન દ્વારા મેળવવામાં આવેલ ડેટા દ્વારા યાયાવર પક્ષીઓના સ્થળાંતરની વિગત, વસવાટ સ્થાન માટેની તેની પસંદગી, તેનો વ્યાપ વિસ્તાર, તેના પ્રજનન સાથે જોડાયેલી અનેક માહિતી, રોજની ગતિવિધી તેમજ તેના વિશે અજાણ્યા તથ્યો વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે.
આ વૈજ્ઞાનિક માહિતી આ પ્રજાતિઓના ભાવિ સંરક્ષણના કાર્યની યોજના બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.ઉપરોક્ત તમામ કાર્ય ભા.વ.સે., અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના શ્યામલ ટીકાદર, મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ ડી.ટી.વસાવડા, અને ભા.વ.સે., નાયબ વન સંરક્ષક, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના ડો. મોહન રામ, માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આ તમામ કાર્યમાં તજજ્ઞ તરીકે અગાઉ ટેગીંગ કામગીરી કરી ચૂકેલા ધી કોર્બેટ ફાઉન્ડેશનના દેવેશ ગઢવીની મદદ લેવામાં આવેલ હતી. તથા સમગ્ર કાર્યક્રમમાં સંલગ્ન પરિક્ષેત્ર વન અધિકારી, વન વિભાગના અનુભવી વન્યજીવ પશુ ચિકિત્સકો તેમજ સ્થાનિક સ્ટાફે સહયોગ આપ્યો હોવાનું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.