સ્થાનકવાસી જૈન મોટા સંઘ-વિરાણી પૌષધ શાળાના આંગણે પૂ.ધીરગુરૂદેવના જન્મદિને તપ-જપની આરાધનામાં ભાવિકો ભાવવિભોર બન્યા હતાં. આ પ્રસંગે બોટાદ સંપ્રદાયના યુવા પ્રેરક પૂ.જયેશ મુનિ મ.સા. ડો.સુપાર્શ્ર્વમુનિ મ.સા. તથા પ્રવર્તિની પૂ.વનિતાબાઇ મ.સા. આદિ પરિવાર, પૂ.નીરૂબાઇ મ.સ., પૂ.ઉષા-વીણાજી મ.સ., પૂ.ભારતીજી મ.સ., પૂ.સ્મિતાજી મ.સ., પૂ.સુશીલાજી મ.સ., પૂ.નંદા-સુનંદાજી મ.સ., પૂ.નંદાજી મ.સ., આદિના બિરાજવાથી ધર્મોલ્લાસ છવાયો હતો. પૂ.સુપાર્શ્ર્વમુનિજીએ શાસનના કાર્યોની અનુમોદના અભિવંદના કરેલ. પૂ.સ્મિતાજી મ.સ.એ શ્રુત વૈભવ, વ્યવહાર વૈભવ, વાણી વૈભવ, વૈયાવચ્ચ વૈભવ, વ્યક્તિત્વ વૈભવનું વર્ણન કરી ગુરૂદેવના જન્મ દિને શતાયુ, દીઘાર્યુની ભાવના પ્રગટ કરેલ. હરેશભાઇ વોરાએ ગુરૂદેવની ઉદારતા-વિશાળતાની અભિવંદના કરી પૂ.જયેશમુનિ મ.સા.ને ચાતુર્માસની વિનંતી કરેલ. સી.એમ.શેઠએ વૈયાવચ્ચની અનુમોદના કરેલ.
જ્યારે બપોરે 3 કલાકે જૈનશાળાના સ્વાગત ગીત બાદ ડો.ચંદ્રાબેન વારીયા પ્રેરિત ચિંતામણી જાપથી દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. પૂ.ગુરૂદેવે કહેલ કે મંત્ર જાપથી મન સ્થિર બન્યા વિના રહેશે નહિ. સંકલ્પ કરીને જાપ કરતા રહો. પૂ.બંસરીજી મ.સ., પુ.મુક્તિશીલાજી મ.સ.એ નવકાર ગીતની રમઝટ બોલાવી હતી. છગનલાલ શામજી વિરાણી પરિવારે 65 જીવોને અભયદાનનો લાભ લીધેલ. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત મારૂતિનગરમાં સરસ્વતી શિશુમંદિરના નવનિર્માણમાં શિશુમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા નામકરણમાં અગતરાય નિવાસી હાલ મુંબઇ લબ્ધ પ્રતિષ્ઠિત શશીકાંત જી.બદાણી તરફથી 2 કરોડ 25 લાખના માતબર દાનની ઘોષણાથી ‘અહોદાન’ના જયનાદે હોલ ગુંજી ઉઠ્યો હતો.
ચેરમેન અપૂર્વ મણીયાર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો.બળવંતભાઇ જાનીએ ગુરૂદેવના પરમાર્થ કાર્યની અભિવંદના કરી ઋણ સ્વીકાર કરેલ. દિનેશભાઇ દોશી, કમલેશ મોદી, બકુલેશ રૂપાણી, સતીશ બાટવીયા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ અને જશાપરના કર્મચારીઓનું ડો.ચંદ્રાબેન અને ડો.મહેન્દ્રભાઇ વારીયા તથા મોટા સંઘ તરફથી રોકડ રકમથી સન્માન તેમજ પ્રતિમાબેન હસમુખલાલ મહેતા તરફથી 21 ચાંદીની લગડીનો ડ્રો કરાયો હતો. પ્રભાવનાનો લાભ નિમેષ અને મીરા કોઠારી, રંજનબેન પટેલ, રમીલાબેન બેનાણી, સુશીલાબેન બદાણી, ચંદ્રિકાબેન જસાણીએ લીધેલ.