- રૂ.4.91 કરોડનો ખર્ચ મંજૂર કરાયા બાદ સર્વેશ્ર્વર ચોક વોંકળામાં વધારાના કામ માટે રૂ.1.83 કરોડ મંજૂર કરવાની દરખાસ્ત અગાઉ અભ્યાસ અર્થે પેન્ડિંગ રખાયા બાદ હવે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિધ્ધ કરવાની સ્ટે.ચેરમેનની સૂચના
- લાખેણા સ્ટાઇપેન્ડવાળા લીગલ ઇન્ટર્નને રાખવાની દરખાસ્ત પેન્ડિંગ: રૂ.114 કરોડના વિકાસ કામોને બહાલી આપતી સ્ટેન્ડિંગ કમિટી
- શહેરના વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોકમાં ઓક્ટોબર-2023માં ગણેશ મહોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા વોંકળા પર નવો સ્લેબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રૂ.4.91 કરોડનો ખર્ચ મંજૂર કરાયા બાદ છેલ્લા ચારેક માસથી વોંકળાનું કામ ચાલી રહ્યું છે. અમૂક કામ અગાઉના એસ્ટીમેન્ટમાં ઇજનેરો દ્વારા લેવાનું ચુકાઇ ગયું હોય વધારાના કામ માટે રૂ.1.83 કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત અગાઉ અભ્યાસ અર્થે પેન્ડિંગ રખાયા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધારાના કામ માટે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિધ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે ભારપૂર્વક એવી ખાતરી આપી છે કે ચોમાસા પહેલા સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ કોઇપણ ભોગે પુરૂં કરી દેવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ નં.7માં સર્વેશ્ર્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળાને ડાઇવર્ટ કરી નવું બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ રૂ.4.91 કરોડમાં એમ્પલ ક્ધસ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું. છેલ્લા ચારેક માસથી આ કામગીરી ચાલી રહી છે. દરમિયાન ખોદકામ પહેલા સેન્ટ્રલ લાઇન ડિમાર્કેશન વખતે સર્વેશ્ર્વર ચોકમાં આવેલી ખાનગી મિલકતોના કારણે નવા નિર્માણાધીન બોક્સ કલ્વર્ટના એલાઇમેન્ટમાં થોડો બદલાવ કરવાનો થાય છે. બોક્સ કલ્વર્ટની લંબાઇ અગાઉ જે 110 મીટર હતી તે વધીને 120 મીટર થશે. જેના કારણે વધારાનો ખર્ચ થાય તેમ છે. વિંગ વોલ, ડ્રેનેજ શિફ્ટીંગ, કોર કટીંગ, બોક્સ કલ્વર્ટના ક્ધસ્ટ્રક્શનના લીધે ખુલ્લી થયેલી જગ્યામાં પૂરાણ કામ, ખાનગી મિલકતોના કારણે એલાઇમેન્ટમાં ચેન્જીંસ કરવા સહિતના વધારાના કામ માટે રૂ.1.83 કરોડનો વધારો ખર્ચ થવાનો અંદાજ છે. જે મંજૂર કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અગાઉ ખડી સમિતિ દ્વારા આ દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સર્વેશ્ર્વર ચોક વોંકળામાં વધારાના કામ માટે સાત દિવસનું શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિદ્વ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જુનું જે કામ મંજૂર કરવામાં આવ્યું છે. તે હાલ ચાલી રહ્યું છે. ચોમાસા પહેલા કોઇપણ ભોગે સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ પુરૂં કરી દેવામાં આવશે. તેવું તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનની લીગલ શાખામાં લીગલ ઇન્ટર્નની ઇન્ટર્નશીપ આધારિત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવા અને એમઓયુ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ઇન્ટર્નશીપ માટે કરાર આધારિત જગ્યા પર કામ કરતા વકિલોને માસિક રૂ.1 લાખનું સ્ટાઇપેન્ડ આપવાનું થતું હોય આ દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
અન્ય મહાપાલિકાઓમાં આ જગ્યા માટે કંઇ રીતનું વેતન ચુકવવામાં આવે છે. તેના આધારે નિર્ણય લેવામાં આવશે. આજે 39 પૈકી 37 દરખાસ્તોને બહાલી આપી રૂ.114 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.
વેસ્ટ ઝોનમાં સેક્ધડ રિંગ રોડ, જામનગર હાઇવેથી સ્માર્ટ સિટી સુધીના રોડને ડેવલપ કરવા માટે રૂ.30.70 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષથી વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમ લાગૂ કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. જ્યારે મેયરના સાઉથ કોરીયાના પ્રવાસ અંગે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગવાની દરખાસ્તને પણ બહાલી અપાઇ છે.
45 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માટે 130 કરોડનું મૂડી રોકાણ કરાશે
વર્ષ 2025-2026ના બજેટમાં 10 કરોડની પ્રાથમિક જોગવાઇ
ગુજરાત સરકાર દ્વારા આણંદ જિલ્લાના કમલસર ખાતે 400 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. જેમાં રાજ્યની 157 નગરપાલિકાઓને 150 મેગાવોટ કેપેસિટી અને આઠ મહાનગરપાલિકાઓને 250 મેગાવોટ કેપેસિટીની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાને 45 મેગાવોટ કેપેસિટી ફાળવવાનું હાલ રાજ્ય સરકારનું આયોજન છે. જેના માટે રૂ.261 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સમગ્ર પ્રોજેક્ટ માટે થનાર ખર્ચમાં 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે જ્યારે 50 ટકા ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો થાય છે. 45 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માટે કોર્પોરેશને રૂ.130.50 કરોડનો ખર્ચ ઉપાડવો પડશે. જેનાથી ભવિષ્યમાં મહાપાલિકાને ઓછી કિંમતમાં વિજળી મળવા સહિતના અલગ-અલગ આઠ ફાયદાઓ થવાનો અંદાજ છે. વર્ષ-2025/2026ના બજેટમાં રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે તમામ નિર્ણય લેવા મ્યુનિ.કમિશનરને અધિકૃત્ત કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.
મેયર સાઉથ કોરીયા જશે: પ્રમુખની સૂચના મળતા સ્ટે.ચેરમેને વિદેશ પ્રવાસ ટાળ્યો
સાઉથ એશિયાની ઇક્લી સંસ્થા દ્વારા આગામી 13 થી 17 એપ્રિલ દરમિયાન સાઉથ કોરીયા ખાતે વર્લ્ડ લોકલ ગર્વમેન્ટ ક્લાઇમેન્ટ ચેન્જ સમિટનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર એમ બંનેને આમંત્રણ મળ્યું હતું. પરંતુ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવેએ તાકીદ કરી હતી કે મહાપાલિકાના મુખ્ય બે પદાધિકારીઓ 10 દિવસ સુધી ગેરહાજર રહે તે ચાલે નહિં. જેને ધ્યાનમાં રાખી ચેરમેન જયમીનભાઇ ઠાકરે સાઉથ કોરીયા જવાનું રદ્ કર્યું છે. હવે માત્ર મેયર નયનાબેન પેઢડિયા ક્લાઇમેન્ટ ચેન્જ સમિટમાં ભાગ લેવા માટે વિદેશમાં જશે. રાજ્ય સરકાર પાસે વિદેશ પ્રવાસની મંજૂરી માંગવા માટેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ દ્વારા બહાલી આપવામાં આવી છે.
ડિમોલીશનની આડેધડ નોટિસથી સંકલનમાં દેકારો: નગરસેવકોએ પ્રજાનો અવાજ ઉઠાવ્યો
મ્યુનિ.કમિશનર સાથે બેઠક કરી પાંચેય પદાધિકારીઓને ફરિયાદનો નિવેડો લાવવા પ્રમુખનું સૂચન
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં સૂચિત સોસાયટી સહિતના વિસ્તારોમાં ડિમોલીશનની 3000થી વધુ નોટીસો ફટકારવામાં આવી છે. વર્ષો પહેલા સાગઠીયાના કાર્યકાળ દરમિયાન 260 (1) અને 260 (2) કલમ હેઠળ જેઓને ડિમોલીશનની નોટસ આપવામાં આવી હતી. તેઓને ફરી નોટિસ આપવામાં આવી રહી છે. આ મુદ્ે આજે સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં મોટાભાગના નગરસેવકોએ વાંધા ઉપાડ્યા હતા. નિયમ વિરૂધ્ધ નોટીસ ફટકારવામાં આવી રહી છે. સાથોસાથ ટીપી શાખાના અધિકારીઓ દ્વારા અસરગ્રસ્તો પાસેથી એવું સોંગધનામું પણ લેવામાં આવે છે કે તેઓ ત્રણ માસમાં સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે. ઇમ્પેક્ટ ફી હેઠળ અન અધિકૃત્ત બાંધકામ કરનારને પોતાના બાંધકામ નિયમિત કરવા અરજીઓ કરી છે. તેઓને પણ નોટીસ આપવામાં આવી છે. 100 વારમાં પ્લાન મુજબ મંજૂરી આપી દેવામાં આવે છે. છતાં ત્યાં પણ ટીપીનો સ્ટાફ પહોંચી ગયો છે અને નોટિસ આપવામાં આવી રહી છે. સંકલનમાં આજે ભાજપના કોર્પોરેટરોએ આ અંગે અવાજ ઉઠાવ્યો હતો. જેના સંદર્ભે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કોર્પોરેશનના પાંચેય મુખ્ય પદાધિકારીઓને આ અંગે મ્યુનિ.કમિશનર સાથે બેઠક યોજી તાત્કાલીક નિવેડો લાવવા તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.