વરસાદના પાણીના વિઘ્ન વચ્ચે પોતાના વાહનમાં બેસાડી સગર્ભાને 108 સુધી પહોંચાડ્યા
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સોઢાપર ગામમાં તાત્કાલિક ધોરણે સગર્ભા મહિલા નેહાબેન રાજુભાઈને પ્રસુતિ માટે હોસ્પિટલમાં ખસેડવાની આવશ્યક્તા હતી. ગામમાં જવાના રસ્તે વરસાદી પાણી આવી ગયું હતું આથી 108 સેવાને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. 108 સેવા અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિક સ્તરે નાગરિકો પાસે આ કાર્યને પાર પાડવા અને સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ધારી તાલુકા કક્ષાએથી વ્યવસ્થા થઈ શકે તે માટે 108 સેવાએ અપીલ કરી હતી. પરંતુ સગર્ભા મહિલા નેહાબેન રાજુભાઈની સ્થિતિ જોતાં અને આ પરિસ્થિતિની ગંભીરતા સમજી ચાંચઈ પ્રા.શાળાના આચાર્ય હિતેષગીરી તીરથગીરી ગોસ્વામી સોઢાપરા ગામની બહાર સુધી આ મહિલાને લઈ ગયા હતા.
ગામના આચાર્યએ પોતાના ખાનગી વાહનમાં બેસાડીને આ મહિલાને 108 સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ 108 સેવા મારફતે આ મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આમ, સમયસરના આ નિર્ણય અને મદદ આ સગર્ભા મહિલા, તેના બાળક માટે આશીર્વાદ સમાન નીવડ્યા હતા. આ સગર્ભા મહિલા અને તેના પરિવારજનોને માથે આવી પડેલી આ મુશ્કેલીમાંથી તે હેમખેમ પાર ઉતરી જતાં આ વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ તેમણે નિરાંત અનુભવી હતી.