સરથાણા નેચર પાર્ક સ્ટોરી
ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે ત્રણ વર્ષમાં ૨૫ લાખથી વધુ મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી જેનાથી મનપાને ત્રણ વર્ષમાં ૭.૦૬ કરોડની આવક થઇ છે. હાલમાં ઝૂમાં ૫૪ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે…
5 પ્રજાતિના 61 રેપટાઈલ સામેલ
આ અંગે નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે , સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક ૮૧ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, હાલમાં આ ઝૂમાં ૫૪ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં ૨૪ પ્રજાતિના ૧૨૮ મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના ૨૯૪ પક્ષીઓ અને ૫ પ્રજાતિના ૬૧ રેપટાઈલ સામેલ છે.
જળબિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ
વધુમાં તેમને જણાવ્યું હતું કે , ઝૂની વિશેષતા તરીકે જળબિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળબિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પણ અહીં ૨૭ જેટલી જળબિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે ૫ થી ૭ બચ્ચાંઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ ૧૮ જળબિલાડીઓ અન્ય ઝૂ (પ્રાણી સંગ્રહાલય)માં આપવામાં આવી છે.
3 વર્ષમાં મનપાને 7.06 કરોડની આવક થઇ
પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022 માં 9.41 લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેની રૂ. ૨.૫૬ કરોડની આવક થઈ હતી. વર્ષ 2023 માં 8.78 લાખ પ્રવાસીઓ અને રૂ. 2.76 કરોડની આવક, 2024માં અત્યાર સુધીમાં 6.32 લાખ પ્રવાસીઓ અને રૂ. 1.74 કરોડની આવક થઈ છે. એટલે કહી શકાય કે ત્રણ વર્ષમાં મનપાને 7.06 કરોડની આવક થઇ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે.
સુવિધાની જો વાત કરવામાં આવે તો
વધુમાં તેમને જણાવ્યું હતું કે ,પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે. સીઝેડએ દ્વારા દર બે વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને તેમના સલાહ-સૂચનો, માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે. હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ, સિંહ, રીંછ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ છે. વર્ષ દરમિયાન સુરતથી વાપી સુધીની શાળાઓના આશરે ૨ લાખ વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાત લે છે. મુલાકાતીઓની સુરક્ષા અને ઝૂના સંચાલન માટે કુલ 40 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે.પ્રાણીસંગ્રહાલયના ગાઈડ હીના પટેલ જણાવે છે કે, પ્રાણીસંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વનશિક્ષણ અને પ્રકૃત્તિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપીએ છીએ. ઉપરાંત, વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ, અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય