રાજકોટ તાલુકાના હડમતીયા બેડી ગામે રહેતા પરિવારએ મકાન બાંધકામ દરમિયાન પાણીની લાઈન નાખવા કરેલું ખોદકામ બુરી દેજો કહી સરપંચના પતિએ પરિવાર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે સરપંચના પતિની હાલ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
ખોદેલો રસ્તો પાક્કો બનાવી નાખવાના મુદ્દે ઝગડો કરી યુવકને ધોકાવી મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો
વિગતો મુજબ હડમતીયા બેડી ગામે રહેતા અને રાજકોટમાં હુડકો ચોકડી પાસે પેટ્રોલ પંપમાં નોકરી કરતા હરગોવિંદભાઈ અરવિંદભાઈ કુબાવત ઉ.૩૫એ કુવાડવા પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં તેના જ ગામના સરપંચ પારૂલબેનના પતિ ભાવેશભાઈ રઘુભાઈ બાંભવાનુ નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, ગઈકાલના હું નોકરીએ હતો ત્યારે પત્ની ભારતીએ ફોન કરી કહ્યું હતું કે હું આંગણવાડીએ ઉભી હતી ત્યારે સરપંચના પતિએ આવી તમે જે રસ્તો ખોદયો છે તે બુરી નાખજો તેમ કહેતા મેં કહેલ કે મકાનનું કામ ચાલે છે અને પાણીની લાઈન નાખવા ખોદયો છે તે નાખીને પછી બુરી દેશું તેમ કહેતા તેણે ગાળો ભાંડી ઝઘડો કર્યો હોવાનું જણાવતા હું ત્યાં ગયો હતો અને ભાવેશભાઈને સમજાવવા જતા લાકડીથી હુમલો કરતા હું નીચે પડી ગયો હતો દેકારો થતા લોકો એકઠા થઇ ગયા હતા અને જતા જતા રસ્તો પાક્કો કરી નાખજો નહિતર જીવતા નહી રહેવા દવ કહી ધમકી આપી સરપંચનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બનાવની જાણ કુવાડવા પોલીસને થતા પોલીસ દ્વારા હાલ સરપંચના પતિ સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.