બગસરા તાલુકાના જુના જાંજરીયા ગામના સરપંચ, ઉપસરપંચ અને ત્રણ શિક્ષિકાના ત્રાસથી કંટાળી સ્કૂલના આચાર્યએ શાળામાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા દલિત સમાજ રોષે ભરાયો છે. પોલીસે પાંચેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સરપંચ સહિત પાંચેયની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહને બગસરા પોલીસ મથકે રાખવાનું મૃતકના પરિવાર દ્વારા જાહેર કરતા બગસરા પોલીસ મથકે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો સહિતના ટોળા એકઠાં થતા ભારે સનસનાટી મચી ગઇ છે. પોલીસ દ્વારા મૃતકના પરિવાર અને સમાજના આગેવાનોને મૃતદેહ સ્વીકારી અંતિમ વિધી કરાવવા સમજાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસની બીજી ટીમ દ્વારા શાળાના આચાર્યને આત્મહત્યાની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા પાંચેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને અભ્યાસ માટે બે કલાક વહેલો સ્કૂલે બોલાવતા પાંચેય દ્વારા જ્ઞાતિ અંગે હડધૂત કર્યાનો વીડિયો વાયરલ કરી ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું
સરપંચ સહિત પાંચેયની ધરપકડ ન થાય ત્યાં સુધી આચાર્યનો મૃતદેહ પોલીસ મથકે જ રાખવાનું મૃતકના પરિવારે જાહેર કરતા પોલીસમાં દોડધામ
આ અંગેની પોલીસની પ્રાપ્ત વિગત મુજબ બગસરા તાલુકાના જુના જાંજરીયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાંતીલાલ બઘાભાઇ ચૌહાણ નામના પ્રૌઢે પોતાની પત્ની રામુબેન ચૌહાણ સાથે મોબાઇલમાં વાત કરી ગામના સરપંચ મુકેશભાઇ બોરીસાગર, ઉપસરપંચ વિપુલભાઇ કયાડા, શાળાની શિક્ષિકા હંસાબેન ટાંક, રંજનબેન લાઠીયા અને ભાવનાબેન ત્રાસ દેતા હોવાથી કંટાળી શાળાએ જ ઝેરી દવા પી લીધાનું જણાવ્યું હતું. તેમજ આ અંગેની વાત વીડિયો પણ તૈયાર કર્યો હતો. આચાર્ય કાંતીભાઇ ચૌહાણનું સારવાર દરમિયાન જૂનાગઢ હોસ્પિટલમાં મોત થતા પાંચેય જવાબદાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેની રામુબેનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. કાંતિલાલ ચૌહાણનો મૃતદેહ જૂનાગઢ હોસ્પિટલથી સ્વીકારી બગસરા પોલીસ મથકે એમ્બ્યુલશમાં લાવી જયાં સુધી પાંચેયની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધી કરવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ થઇ ગઇ છે.
મુળ જૂનાગઢ જિલ્લાના ભલગામના વતની અને છેલ્લા બે વર્ષથી બગસરા તાલુકાના જુના જાંજરીયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાંતીલાલ ચૌહાણે પોતાની શાળામાં અભ્યાસ કરતા સોનલબેન રાજગોરના બે પુત્ર પૈકી એક પુત્રને વધુ અભ્યાસ માટે શાળાએ બે કલાક વહેલો બોલાવ્યો હતો. પરંતુ તે સ્કૂલે આવ્યો ન હતો અને સોનલબેને ફોન કરી તેનો પુત્ર સ્કૂલના સમયે જ આવશે તેમ કહ્યુ હતી. ત્યાર બાદ સરપંચ મુકેશભાઇ બોરીસાગર અને ઉપસરપંચ વિપુલભાઇ કયાડા શાળાએ આવ્યા હતા અને બંનેએ તુ કેમ શાળાના સમય કરતા વહેલો આવે છે.
તું શુ ભણાવે છે તેમ કહી જ્ઞાતિ અંગે હડધૂત કર્યા હતા. સરપંચ અને ઉપસરપંચને શાળાની શિક્ષિકા હંસાબેન ટાંક, રંજનબેન લાઠીયા અને ભાવનાબેન પોતાના વિરુધ્ધમાં ઉશ્કેરતા હોવાનો કાંતિલાલ ચૌહાણે વીડિયો વાયરલ કર્યા બાદ તેઓએ શાળાએ જ ઝેરી દવા ગટગટાવી લેતા તેમની પત્ની રામુબેન ચૌહાણ, પુત્ર કૌશિક અને સંબંધ ઉમેશભાઇ જાદવ સ્કૂલે દોડી ગયા હતા. તે દરમિયાન કાંતિલાલ ચૌહાણે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ લઇ ગયા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા મૃતકના પરિવાર અને દલિત સમાજ રોષે ભરાયા હતા.
બગસરા પોલીસ મથકના પી.આઇ. આઇ.જે.ગીડાએ સરપંચ મુકેશભાઇ બોરીસાગર, ઉપસરપંચ વિપુલભાઇ કયાડા અને ત્રણેય શિક્ષિકા સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો. કાંતિલાલ ચૌહાણની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ એમ્બ્યુલશમાં મૃતદેહને બગસરા પોલીસ મથકે લાવી જ્યાં સુધી પાંચેયની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધી કરવાનો ઇન્કાર કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ બગસરા દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને તેમજ સમાજના આગેવાનોને અંતિમ વિધી માટે સમજાવવામાં આવી રહ્યા છે. તાત્કાલિક પોંચયને ઝડપી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે. દરમિયાન બગસરા પોલીસ મથકે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો આવી ગયા છે. પોલીસની એક ટીમ પાંચેયની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છૈ.