વિધાનસભાની ચૂંટણી ટાણે !!!
સભા અને ભજીયા પાર્ટી પત્યા બાદ સરપંચ તેના પુત્ર સહિત ચાર શખ્સોએ સામે નોંધાતો ગુનો
ટંકારા તાલુકાના નસીતપર ગામે ચૂંટણી ટાણે જ જુના ઝઘડામાં કોંગ્રેસની સભા અને ભજીયા પાર્ટી પત્યા બાદ કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યને નસીતપર ગામના સરપંચ તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ માર મારતા ભજીયા એ કરાવ્યા કજિયા જેવો ઘાટ જોવા મળ્યો હતો.
બનાવ અંગે ટંકારા તાલુકા પંચાયતના લજાઈ -2 બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગઈકાલે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામે કોંગ્રેસની જાહેરસભા હોય તેઓ જાહેરસભામાં ગયા હતા અને જાહેરસભા પૂર્ણ થયા બાદ ગામના ઝાંપા પાસે ઉભા હતા ત્યારે તેમના કૌટુંબિક જમાઈ અને આરોપી દિનેશભાઇ અઘારાએ કહ્યું હતું કે તારે પ્રકાશ સાથે શું વાંધો છે. જેથી પોતે કહ્યું હતું કે જે તે સમયે બધું હતું એ હવે પતી ગયું છે
દરમિયાન બન્નેની વાતચીત દરમિયાન જ આરોપી પ્રકાશ રમેશભાઈ, ગામના સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ, દિનેશ અઘારા અને પ્રવીણભાઈ નામના ચારેય આરોપીઓએ એક સંપ કરી પંકજભાઈને ઢીંકા પાટુનો માર મારવા મારવા લાગેલ હતા અને પ્રકાશભાઈ રમેશભાઈ નામના આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારી હવે પછી નસીતપર ગામમાં પગ મુકતો નહીં નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.
ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પંકજ મસોત ઉપર સરપંચ અને તેના પુત્ર સહીત ચાર વ્યક્તિઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકારા અને બાદમાં સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદી પંકજ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323,504,506(2),114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.