દારૂના નશામાં 60 વર્ષના વૃધ્ધે છ વર્ષની બાળકીનો દેહ અભડાવતા સમગ્ર ગામમાં રોષ

ગામમાં દારૂનું વેચાણ કરનાર અને નશો કરનાર સામે સરપંચ દ્વારા જ કડક કાર્યવાહી કરવામાં આવશે

મોઢવાણામાં દેશી અને વિદેશી દારૂના 15 અડ્ડા બંધ કરાવવા સરપંચે કિરીટસિંહ રાણાએ ગામમાં ઢોલ વગડાવ્યો

લખતર તાલુકાના મોઢવાણા ગામમાં દારૂના વેચાણ અને નશો કરવા પર સરપંચ દ્વારા પ્રતિબંધ ફરમાવતો ઢોલ વગડાવવામાં આવ્યો છે. નાના એવા મોઢવાણામાં 15 જેટલા સ્થળે દેશી અને વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થાય છે. પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. દારૂના નશામાં 60 વર્ષના વૃધ્ધે પોતાની પુત્રીની ઉમરની છ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવતા આગ બબુલા બનેલા સરપંચે મોઢવાણામાં દારૂના વેચાણ અને નશો કરનાર સામે પોતે જ કડક કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરવી પડી છે.

Screenshot 8 26

મોઢવાણા ગામના 60 વર્ષના વિકૃત માનસના દારૂના બંધાણીએ છ વર્ષની બાળકીને ભાગ આપવાની લાલચ દઇ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજર્યાની ઘટના પ્રકાશમાં આવતા સભ્ય સમાજનું શરમથી માથુ ઝુકી ગયું છે. મોઢવાણા ગામમાં સામાન્ય ચોરીની પણ ઘટના બનતી નથી ત્યારે માસુમ બાળકી પર દુષ્કર્મ આચવાની ઘટનાથી સમગ્ર લખતર તાલુકામાં હેવાનિયતની હદ વળોટનાર નશાખોર વૃધ્ધ પર ફિટકાર વરસી રહ્યો છે.

લખતર પોલીસે મોઢવાણાના વૃધ્ધ સામે પોકસો અને બળાત્કાર અંગે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ સમગ્ર ઘટનાની પાછળ દારૂનું વેચાણ અને સેવન કારણભૂત હોવાથી મોઢવાણાના સરપંચ કિરીટસિંહ રાણાએ પોતાના ગામમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યાની જાહેરાત ઢોલ વગડાવીને કરી છે. મોઢવાણામાં કોઇ શખ્સ દારૂનું વેચાણ કરશે કે નશો કરેલી હાલતમાં મળી આવશે તે તેની સામે પોલીસ શુ પોતે જ કડક કાર્યવાહી કરશે તેવું જાહેર કરતા મોઢવાણાના દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.નાના એવા મોઢવાણામાં 15 જેટલા સ્થળે દેશી અને વિદેશી દારૂનું વેચાણ થાય છે તે તમામ સ્થળે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવશે તેમજ કોઇ શખ્સ નશો કરેલી હાલતમા મળી આવશે તો તેની સામે પણ પોતે કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.

મોઢવાણામાં પોલીસ દ્વારા કેમ દારૂનું વેચાણ બંધ ન થયું?

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે તેની પ્રતિતિ થતી ઘટના મોઢવાણામાં બની છે. જે કામ પોલીસે કરવાનું હોય તે કામ ગામના સરપંચ દ્વારા કરવાની ફરજ પડી છે. મોઢવાણા ગામ એકદમ શાંતિપ્રિય છે. અત્યાર સુધીમાં કોઇ ચોરી ઘટના પણ સામે આવી નથી ત્યારે 60 વર્ષની ઉમરના વૃધ્ધે છ વર્ષની બાળકીને હવસનો શિકાર બન્યાની બનેલી ઘટના સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

આ શરમ જનક ઘટના પાછળ દારૂનો નશો કારણભૂત હોવાનું બહાર આવતા સરપંચ કિરીટસિંહ રાણાએ પોતાના ગામમાં દારૂબંધી લાગુ પાડી છે. દારૂબંધીનો અમલ પોલીસે કરાવવાનો હોય છે પરંતુ મોઢવાણામાં ઠેર ઠેર વેચાતા દારૂના હાટડા બંધ કરાવવામાં પોલીસ નિષ્ફળ રહેતા સરપંચ કિરીટસિંહ રાણાએ દારૂબંધીનો અમલ કરાવવાનું બીડુ ઝડપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.