ચારધામની જાત્રાએથી આવ્યા બાદ વેવાઇના ઘરે ધુડેશિયા જમવા ગયેલા પરિવારના એક રાત બંધ રહેલા મકાનમાં તસ્કરોએ સોના-ચાંદીના ધરેણા અને રોકડનો હાથફેરો કર્યો
ભાવનગર હાઇ-વે પર આવેલા સરધારના પટેલ પરીવારના એક રાત બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 16.59 લાખની સોના ચાંદીના ધરેણા અને રોકડનો હાથફેરો કરી ગયાની આજી ડેમ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. રા. લો. સંઘના પૂર્વ ચેરમેન નિતીનભાઇ ઢાકેચાના નજીકના સગા પરિવાર સાથે કાલાવડ પાસેના ધુડેશીયા ગામે વેવાઇના ઘરે જમવા ગયા તે દરમિયાન બંધ રહેલા મકાનના તાળા નકુચા તોડી રૂ. 14.69 લાખના સોનાના ધરેણા, રૂ. 43 હજારની કિંમતના ચાંદીના દાગીના અને રૂ. 14.70 લાખ રોકડા મળી રૂ. 16.59 ની મતા ચોરી ગયાની ફરીયાદ નોંધાતા પોલીસે સીસી ટીવી કુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરધાર કે.જી. વિસ્તારમાં રહેતા મગનભાઇ શામજીભાઇ ઢાકેચાનું ગત તા.ર ના બપોરના ટાણ થી તા.3 ના સવાર ના આઠ વાગ્યા દરમિયાન બંધ રહેલા મકાનમાં બાજુના બાવાજી અને બ્રાહ્મણના મકાનની અગાશીમાંથી આવેલા તસ્કરોએ કમ્પાઉન્ડના દરવાજો અંદરથી બંધ કરી મુખ્ય દરવાજાની ગ્રીલ તોડી બે બેડ રૂમમાં કબાટમાં માલ સામાન વેર વિખેર કરી સોના-ચાંદીના ધરેણા અને રોકડા મળી રૂ. 16.59 લાખની મત્તા ચોરી ગયાની આજી ડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રા.લો. સંઘના પૂર્વ ચેરમેન નિતીનભાઇ ઢાકેચાના નજીકના સગા મગનભાઇ ઢાકેચા અને તેમના પત્ની ચારધામની જાત્રા કરવા ગયા હોવાથી તેમના ધુડેશીયા ગામે રહેતા વેવાઇએ જમવાનું આમંત્રણ આપતા મગનભાઇ પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે રવિવારે ધુડેશીયા ગામે જમવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ચોરી કર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.
આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે. પરમાર સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ કરતા આશરે રપ થી 30 વર્ષના બે શખ્સોએ રાત્રના અઢી વાગે મગનભાઇ ઢાકેચાના મકાનમાં ચોરી કરવા ધુસ્યાના સીસી ટીવી કુટેજ મળી આવતા બન્ને તસ્કરોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.