રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આગમન થતાં રાજકોટમાં સ્વાગત
ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ, મોરબીથી નીકળેલી બાઈક રેલી રાજકોટની રામનાથપરા સ્થિત જેલ ખાતે આગમન થતાં આ રેલીનું ભવ્ય સ્વાગત તથા સન્માન સમારોહ વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, દેશની આઝાદી માટે રજવાડાઓને એક કરવા સરદાર પટેલ પુરા દેશમાં ફર્યા હતા આજે સરદાર પટેલની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બાઈક સવારો કચ્છથી સરદાર સરોવર સુધી ફરી રહ્યા છે. જેથી સરદાર પટેલના કાર્યો આપણને સતત પ્રેરણા આપતા રહેશે. ત્યારે આ પ્રસંગે આપણે દેશની આઝાદી અને સુરક્ષા માટે આહુતિ આપનારા સૌ વીર શહીદોને પણ નમન કરીએ છીએ.
રાજકોટ પોલિસ વિભાગ દ્વારા રામનાથપરામાં જૂની જેલ ખાતેના કાર્યક્રમમાં મોટર સાયકલ પાર્ટીસિપેટનું મોમેન્ટો આપીને વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.
મેયર પ્રદીપભાઈ દવે કહ્યું હતું કે, રાજકોટ શાંત, સુરક્ષિત છે તે માટે આપણે પોલીસ વિભાગના આભારી રહીશું. પોલીસ સંભારણા દિન નિમીતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પોલીસ કમિશનર દ્વારા અપાઈ હતી. આ તકે શાળામાં ધૂસી આવેલા આતંકવાદીઓને પકડવાની મોકડ્રિલ પોલીસ જવાનો દ્વારા યોજાઇ હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્વાગત અને પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. જેમાં આઝાદી પહેલા રામનાથપરાની જેલમાં રહી ચૂકેલા આઝાદી માટેના સ્વતંત્ર સેનાનીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
આ બાઇક રેલીનું રેલીનું જિલ્લા પોલીસ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઢિયા, મેયર પ્રદીપભાઈ ડવ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશનર ખુરસીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર અને મનોહરસિંહ જાડેજા, એસીપી ટંડેલ, વિદ્યાર્થીઓ વગેરેએ બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.