હાર્દિકની જાહેરસભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો:અભૂતપૂર્વ માનવ મેદનીને કારણે તમામ રસ્તાઓ બ્લોક
સરદાર પટેલ જન્મ જયંતિના અવસરે મોરબીમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ એક શામ સરદાર કે નામ કાર્યક્રમમાં અભૂતપૂર્વ જનમેદનીને સંબોધતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને આગામી ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવા સોગંધ લેવડાવી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
આજે મોરબીની મુલાકાતે આવેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અનેક સમાજના અગ્રણીઓ અને સીરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી અને સાંજે સુપર માર્કેટ નજીક યોજાયેલી વિશાળ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અમારું આ આંદોલન આવનારી પેઢી માટે છે, કહેવા વાળા કહે છે કે પાટીદાર અનામત આંદોલનનો દલિતો અને અન્ય સમાજના લોકો વિરોધ કરે છે પરંતુ હકીકતમાં આવું કહી નથી આજે હું મોરબીમાં બધા સમાજને મળ્યો બધા સમાજના લોકો અમારી સાથે જ છે.
મોરબીની સુપર માર્કેટ નજીક યોજાયેલ હાર્દિક પટેલની જાહેર સભામાં અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી પડી હતી અને કલાકો સુધી સનાળા રોડ થંભી ગયો હતો.હાર્દિક પટેલની સભામાં ઉમટેલી માનવ મેદની કદાચ કોઈ રાષ્ટ્રીય નેતાના કાર્યક્રમમાં પણ જોવા ન મળે એટલી વિશાળ હતી, આ સભામાં પાટીદારોની સાથે સાથે જુદા-જુદા તમામ સભાના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વધુમાં સભામાં હાર્દિક પટેલે મોરબીની જ વધારે વાતો કરી હતી અને મોરબીમાં પાટીદારો સાથે પાટીદાર સમાજના જ ધારાસભ્ય કેવા ખેલ પડે છે તેના ઉદાહરણ આપી પોલીસ સહિતના વિભાગો પાટીદારો પાસેથી બેફામ લાખો રૂપિયા તોડ કરતા હોવાનું ખુલમ ખુલા જણાવી આ બધી પરિસ્થિતિ માટે સમાજને જવાબદાર ગણાવી ૨૫-૨૫ વર્ષથી ચુંટી ગાંધી નગર મોકલતા બાઘડ બિલાને હવે સાચું સ્થાન બતાવી મનોજ પનારા જેવા નેતા ને ચુટવા હાકલ કરી હતી.
સભામાં સીરામીક ઉદ્યોગકારોની પીડાને પણ વાચા આપી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ આપણી સાથે જ છે પણ જો એ ખુલીને આપણી સાથે આવે તો ભાજપની સરકાર પ્રદુષણ,કોલગેસ, ઇનકમટેક્સ,જીએસટી વગેરે બાબતોમાં હેરાન કરતા હોય ખુલીને ટેકો નથી આપી શકતા.
અંતમાં હાર્દિક પટેલે મોદીની મિમિક્રી કરી કહ્યું હતું કે આપણી એકતા તોડવા અનેક પ્રયાસો થશે, મોદી અહીં સભા કરવા આવશે પણ એટલું યાદ રાખજો કે આપણી એકતા તૂટવા દેવાની નથી કાલે કદાચ હું જેલમાં હોવ તો પણ આપણે આ સરકારને ઉખાડી ફેકવાના જે સોગંધ લોખંડી પુરુષના જન્મ દિવસે ખાધા છે એ ભૂલવાનું નથી.